<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો :ત્રીજી વનડે મેચ પહેલા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે બહાર

વોશિંગ્ટનની ગેરહાજરીમાં હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ-11માં ડાબોડી રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવને તક આપી શકે

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ત્રણ મેચોની આ વનડે સિરીઝની છેલ્લી અને ફાઇનલ મેચ રવિવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાવાની છે. જો કે, આ મહામેચ પહેલા ESPNના અહેવાલ મુજબ, સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે છેલ્લી વનડે મેચમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે.

ગુરૂવારે કાર્ડિફ ખાતે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન લક્ષ્યનો પીછો કરતી વખતે વોશિંગ્ટન સુંદરના પગમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેને મેદાન પર જ તબીબી સારવારની જરૂર પડી હતી અને ત્યારબાદ તે ફિલ્ડિંગ કરવા માટે પણ મેદાન પર ઉતરી શક્યો ન હતો. વોશિંગ્ટનની ગેરહાજરીમાં હવે ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ-11માં ડાબોડી રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવને તક આપી શકે છે.

સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં ભારતની હાર દરમિયાન વોશિંગ્ટને 5 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા. બેટિંગ દરમિયાન એક બ્રેક વખતે ટીમના ફિઝિયો તેની જાંઘ પર પટ્ટી બાંધતો જોવા મળ્યો હતો અને આઉટ થયા બાદ તે ભારે તકલીફમાં મેદાનની બહાર ગયો હતો. મેચ બાદ ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે- જ્યારે વોશિંગ્ટન મિડ-ઓફ તરફ પહેલો રન લેવા દોડ્યો ત્યારે જ તેને ઈજા થઈ હતી. તેના હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજા થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

એક સમયે ટીમમાં આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજોની હાજરી વચ્ચે વોશિંગ્ટન સુંદર માત્ર એક અતિરિક્ત ખેલાડી તરીકે જોવામાં આવતો હતો, પરંતુ તાજેતરના સમયમાં તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે શાનદાર બેટિંગ કરતા ૫૨ બોલમાં 57 રન ફટકારીને અણનમ રહ્યો હતો. આ મેચમાં અક્ષર પટેલ સાથે તેની 102 રનની ભાગીદારીના જોરે ભારતે મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

વનડે સિરીઝ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, ગુરનૂર બ્રાર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઇશાન કિશન, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.

(11:47 PM IST)