હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: અફઘાનિસ્તાન શ્રેણી અને એશિયન ગેમ્સમાંથી હર્ષિત રાણા બહાર; ફાસ્ટ બોલર યશ ઠાકુરની સરપ્રાઈઝ એન્ટ્રી!
બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે મેચ સિમ્યુલેશન દરમિયાન હર્ષિતને ઈજા થતાં ઈન્જર્ડ ઘોષિત; તાત્કાલિક ધોરણે ભારતીય સ્ક્વોડમાં ફેરફાર કરાયો

નવી દિલ્હી, તા.10: આગામી રવિવારથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 (T20I) શ્રેણી અને આ જ મહિને યોજાનારી એશિયન ગેમ્સ 2026 પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના યુવા અને આક્રમક ઝડપી બોલર હર્ષિત રાણા ઈજાના કારણે બંને મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ વિલંબ કર્યા વગર હર્ષિત રાણાના વિકલ્પ તરીકે વિદર્ભના ખતરનાક ફાસ્ટ બોલર યશ ઠાકુરના નામની જાહેરાત કરી દીધી છે.
મેચ સિમ્યુલેશન દરમિયાન સ્નાયુઓ ખેંચાતા ઈજાગ્રસ્ત થયા
BCCIના અધિકૃત નિવેદન અનુસાર, હર્ષિત રાણા બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે પોતાના પુનર્વસન (રીહેબ) દરમિયાન ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા હતા. પરંતુ 7 સપ્ટેમ્બરના રોજ મેચ સિમ્યુલેશન દરમિયાન બોલિંગ કરતી વખતે તેમને રેક્ટસ ફેમોરિસ સ્ટ્રેન (જાંગના સ્નાયુ ખેંચાવા)ની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. તબીબી ટીમના સૂચન બાદ તેમને આગામી શ્રેણીઓમાંથી આરામ આપવાનો નિર્ણય લેવાયો છે.
યશ ઠાકુરની વાપસી
હર્ષિતના સ્થાને સામેલ કરાયેલા વિદર્ભના 27 વર્ષીય ઝડપી બોલર યશ ઠાકુરે તાજેતરમાં જુલાઈ મહિનામાં ઝિમ્બાબ્વે સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેમણે માત્ર 2 મેચમાં 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, ઘરેલુ ક્રિકેટની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 50 મેચોમાં 7.04 ના અદ્ભુત ઈકોનોમી રેટ સાથે 81 વિકેટ અને આઈપીએલ (IPL) માં શાનદાર પ્રદર્શનનો બહોળો અનુભવ ધરાવતા યશ ઠાકુર પાસેથી ટીમને મોટી આશાઓ છે.
અફઘાનિસ્તાન T20I શ્રેણી અને એશિયન ગેમ્સ માટે અપડેટ થયેલી ભારતીય ટીમ:
શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને યશ ઠાકુર.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
