<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ધડાકો: કોણ છે નંદિની શર્મા? જે સીધી વર્લ્ડ કપમાં કરશે ડેબ્યૂ! WPL માં વિકેટોની ઝડી વરસાવનાર આ ઘાતક બોલર હવે મેદાન ગજવશે

સ્નેહા રાણા અને રાધા યાદવ જેવી અનુભવી ખેલાડીઓ ટીમની બહાર; ૨૪ વર્ષીય ફાસ્ટ બોલર નંદિનીએ દિલ્હી કેપિટલ્સ માટે ૧૭ વિકેટ ઝડપી મચાવ્યો હતો કહેર, હવે પાકિસ્તાન સામે જંગની તૈયારી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શનિવારે આઈસીસી વૂમેન્સ ટી20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સૌથી વધુ ચર્ચિત નામ ૨૪ વર્ષીય ફાસ્ટ બોલર નંદિની શર્માનું છે, જેણે હજુ સુધી ભારત માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. નંદિની હવે સીધી જ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ભારત માટે ડેબ્યૂ કરીને ઈતિહાસ રચવા તૈયાર છે.
WPL માં શાનદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ
નંદિની શર્માએ વૂમેન્સ પ્રીમિયર લીગ (WPL) ૨૦૨૬ માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા પ્રચંડ ફોર્મ બતાવ્યું હતું. તેણે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે ડેબ્યૂ કર્યું અને ત્યારબાદ ગુજરાત જાયન્ટ્સ સામે પાંચ વિકેટ ઝડપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં ૧૭ વિકેટ ઝડપીને તે સૌથી સફળ બોલર રહી હતી, જેના કારણે તેને સીધું જ વર્લ્ડ કપ સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, સ્નેહા રાણા, રાધા યાદવ અને કાશવી ગૌતમ જેવી ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી.
૧૪ જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે મહાજંગ
ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ૧૪ જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી કરશે. ભારતને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે, જ્યાં તેનો સામનો નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે થશે. દરેક ગ્રુપમાંથી બે ટીમો સેમીફાઈનલમાં પ્રવેશશે. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો ૫ જુલાઈના રોજ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.
વર્લ્ડ કપ જીતવાનું અધૂરું સપનું થશે પૂરું?
ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીનું ટી20 વર્લ્ડ કપ જીતવાનું સપનું અધૂરું રહ્યું છે. વર્ષ ૨૦૨૦ માં ટીમ ફાઈનલમાં પહોંચી હતી પણ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ગયા વર્ષે વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે આઈસીસી ટ્રોફી જીતી હતી. આ વિજયથી મળેલા આત્મવિશ્વાસ સાથે હરમનપ્રીત કૌરની સેના હવે ટી20 ફોર્મેટમાં પણ વિશ્વ વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે.

(9:28 PM IST)