<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

૨૦૨૭ ઓડીઆઈ વર્લ્ડ કપની યોજનાઓ સામે મોટો પડકાર: BCCI એ ગંભીર, અગરકર અને લક્ષ્મણને મુંબઈ ખાતે ઇમરજન્સી સમીક્ષા બેઠક માટે બોલાવ્યા

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની વ્હાઇટ-બોલ શ્રેણીમાં ભારતના શરમજનક પરાજય બાદ જાગ્યું બોર્ડ; ખેલાડીઓની ઇજાઓ અને પસંદગી સમિતિ વચ્ચેના તાલમેલ પર થશે આકરી ચર્ચા

મુંબઈ, તા.૦૨: વિદેશની ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમના તાજેતરના અત્યંત નિરાશાજનક પ્રદર્શન અને ખેલાડીઓની ઇજા વ્યવસ્થાપન (ઈંજરી મેનેજમેન્ટ) ને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હરકતમાં આવ્યું છે. બોર્ડે ગુરુવાર, ૩ સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક માટે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના વડા વીવીએસ લક્ષ્મણને ખાસ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

 

તાજેતરમાં ભારતે આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ૨-૦ થી T20I શ્રેણી ગુમાવી હતી, જેના કારણે ભારતનો સતત ૧૬ T20I શ્રેણી અજેય રહેવાનો શાનદાર રેકોર્ડ તૂટી ગયો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ ભારતીય ટીમનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો, જ્યાં ટીમે ૫ મેચોની T20I શ્રેણી ૪-૦ થી અને ઓડીઆઈ શ્રેણી ૨-૧ થી ગુમાવી પડી હતી. આ પરિણામોએ ૨૦૨૭ માં રમાનારા વનડે વર્લ્ડ કપની તૈયારીઓ પર મોટા સવાલો ઊભા કર્યા છે.

 

ખેલાડીઓની ફિટનેસ અને કમ્યુનિકેશન ગેપ પર લક્ષ્મણની ઘેરાબંધી

 

પરિણામો ઉપરાંત ખેલાડીઓની સતત થતી ઇજાઓ અને તેમના રિહેબિલિટેશનને લઈને પણ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) સવાલોના ઘેરામાં છે. અહેવાલો મુજબ, મેડિકલ સેટઅપ, પસંદગીકારો અને ખેલાડીઓ વચ્ચે સંદેશાવ્યવહારમાં મોટો તફાવત (કમ્યુનિકેશન ગેપ) જોવા મળ્યો છે.

 

આ સંજોગોમાં CoE ના વડા વીવીએસ લક્ષ્મણ સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. BCCI ઈચ્છે છે કે આગામી આંતરરાષ્ટ્રીય કેલેન્ડર અને ૨૦૨૭ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કોચિંગ, સિલેક્શન અને નેશનલ એકેડેમી ત્રણેય વિભાગો એક જ પેજ પર આવીને મજબૂત રોડમેપ તૈયાર કરે.

(5:01 PM IST)