તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th May 2026
ક્રિકેટ જગતમાં મોટો વિવાદ: યુઝવેન્દ્ર ચહલનો ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતો વીડિયો વાયરલ, મુસાફરોના જીવ જોખમમાં મૂકવા બદલ ફેન્સનો ભારે આક્રોશ
IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા સ્પિનરની મુશ્કેલીમાં વધારો: DGCA ના નિયમોના ભંગ બદલ થઈ શકે છે મોટી કાર્યવાહી, BCCI લેશે આકરું પગલું?

ચંદીગઢ, તા.૦૭: IPL 2026 ની સીઝન અત્યારે મેદાન પરના ચોગ્ગા-છગ્ગા કરતા ખેલાડીઓના શિસ્તભંગના વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગના ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરવાના વિવાદ બાદ હવે પંજાબ કિંગ્સના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ચહલ ફ્લાઈટની અંદર ઈ-સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે, જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ફ્લાઈટની અંદર અન્ય ખેલાડી સાથે વાતચીત કરી રહ્યા હતા અને વીડિયો રેકોર્ડ થઈ રહ્યો હતો. તે સમયે પાછળની સીટ પર બેઠેલા ચહલને ખ્યાલ નહોતો કે તે કેમેરામાં કેદ થઈ રહ્યો છે. જોકે ભૂલનો અહેસાસ થતા જ વીડિયો ડિલીટ કરી દેવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં અનેક યુઝર્સે તેને ડાઉનલોડ કરીને વાયરલ કરી દીધો હતો. યુઝર્સ ચહલની આ હરકતને બેજવાબદાર ગણાવી તેની આકરી ટીકા કરી રહ્યા છે.
DGCA ના કડક નિયમોનું ઉલ્લંઘન
ફ્લાઈટની અંદર ધૂમ્રપાન કે ઈ-સિગારેટનો ઉપયોગ કરવો એ ગંભીર ગુનો માનવામાં આવે છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના નિયમો મુજબ, વિમાનમાં વેપ કે ઈ-સિગારેટ લઈ જવી અથવા તેનો ઉપયોગ કરવો સખત મનાઈ છે, કારણ કે તેનાથી આગ લાગવાનું જોખમ રહેલું હોય છે અને મુસાફરોની સુરક્ષા જોખમાઈ શકે છે. જો આ મામલે સત્તાવાર ફરિયાદ થશે, તો ચહલ પર ઉડ્ડયન પ્રતિબંધ અથવા દંડ જેવી કડક કાર્યવાહી થઈ શકે છે.
BCCI શું પગલાં લેશે?
અગાઉ રિયાન પરાગના કિસ્સામાં BCCI એ તેની મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકાર્યો હતો અને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો હતો. હવે ચહલના કિસ્સામાં પણ સૌની નજર ક્રિકેટ બોર્ડ પર ટકેલી છે. એક વરિષ્ઠ ખેલાડી હોવા છતાં આ પ્રકારની બેદરકારી બદલ બોર્ડ તેને કડક ચેતવણી અથવા દંડ ફટકારી શકે છે. IPL ના પ્રોટોકોલ અને સુરક્ષા નિયમો વચ્ચે આ પ્રકારના વિવાદો લીગની છબી ખરડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ચહલ આ બાબતે શું સ્પષ્ટતા કરે છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
