<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ફૂટબોલ ચાહકો માટે મોટા સમાચાર: શું FIFA વર્લ્ડ કપ 2026 દૂરદર્શન પર મફત જોવા મળશે? દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ!

ટીવી પર 'ફ્રી' પ્રસારણની માંગ: વર્લ્ડ કપના રાઈટ્સ માટે કોઈ ખરીદદાર ન મળતા મામલો કોર્ટમાં પહોંચ્યો, કિંમતમાં કરોડોનો ઘટાડો છતાં અનિશ્ચિતતા - શું ભારતના લાખો ફેન્સ વર્લ્ડ કપ જોવાથી વંચિત રહેશે?

નવી દિલ્હી: ભારતના ફૂટબોલ ચાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ૧૧ જૂનથી શરૂ થનારા FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ ના ભારતમાં મફત પ્રસારણને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને પ્રસાર ભારતીને નોટિસ જારી કરી છે. એડવોકેટ અવધેશ બૈરવા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે દૂરદર્શન અને ડીડી સ્પોર્ટ્સ જેવા જાહેર પ્લેટફોર્મ પર આ મેગા ઇવેન્ટનું પ્રસારણ સુનિશ્ચિત કરવામાં આવે.

રાઈટ્સ ખરીદવા માટે કોઈ તૈયાર નથી?

અરજીમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી છે, તેમ છતાં ભારતમાં હજુ સુધી કોઈ પણ બ્રોડકાસ્ટરે તેના મીડિયા અધિકારો મેળવ્યા નથી. શરૂઆતમાં FIFA એ આ અધિકારોની કિંમત લગભગ ૧૦૦ મિલિયન ડોલર (આશરે ૮૩૦ કરોડ રૂપિયા) રાખી હતી, જે બાદમાં ઘટાડીને ૩૫ મિલિયન ડોલર કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અંતિમ કરાર થઈ શક્યો નથી.

રાષ્ટ્રીય મહત્વની ઇવેન્ટ અને કાયદો

અરજદારે દલીલ કરી છે કે FIFA વર્લ્ડ કપને ૨૦૦૭ ના બ્રોડકાસ્ટિંગ એક્ટ હેઠળ "રાષ્ટ્રીય મહત્વની રમતગમતની ઇવેન્ટ" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કાયદા મુજબ, આવી ઇવેન્ટનું પ્રસારણ જાહેર જનતા સુધી પહોંચાડવાની જવાબદારી સરકાર અને પ્રસાર ભારતીની છે. જો પ્રસારણ નહીં થાય તો તે નાગરિકોના માહિતી મેળવવાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાશે.

ભારતનું વિશાળ ફૂટબોલ બજાર

FIFA ના ડેટા મુજબ, ૨૦૨૨ ના વર્લ્ડ કપ દરમિયાન ભારત વિશ્વના સૌથી મોટા પ્રેક્ષક બજારોમાંનું એક હતું. પ્રસાર ભારતી પાસે હાલમાં ડીડી સ્પોર્ટ્સ, ડીડી ફ્રી ડિશ અને તેના નવા WAVES OTT પ્લેટફોર્મ જેવી મજબૂત માળખાગત સુવિધાઓ છે. આ સંજોગોમાં, જો ખાનગી ચેનલો રસ ન દાખવે તો સરકારી તંત્રએ આગળ આવીને ચાહકોને નિરાશ ન કરવા જોઈએ તેવી માંગ પ્રબળ બની છે.

હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર અને પ્રસાર ભારતી હાઈકોર્ટમાં શું જવાબ રજૂ કરે છે અને શું ભારતના ફૂટબોલ પ્રેમીઓ ઘરે બેઠા મફતમાં વર્લ્ડ કપનો આનંદ માણી શકશે કે કેમ.

(7:03 PM IST)