<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ભારતીય ક્રિકેટમાં મોટો ઉલટફેર: આઈપીએલમાં ફ્લોપ શો બાદ ઋષભ પંત પાસેથી છીનવાઈ ટેસ્ટની વાઇસ-કેપ્ટનશીપ, KL રાહુલ બન્યો નવો ડેપ્યુટી!

ખરાબ ફોર્મને કારણે પંતે વનડે ટીમમાંથી પણ ગુમાવ્યું સ્થાન, ઈશાન કિશનની એન્ટ્રી; અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ મજબૂત ટીમ ઈન્ડિયા જાહેર

નવી દિલ્હી, તા.૧૯: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારો નિર્ણય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને લઈને લેવામાં આવ્યો છે. આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન તરીકે ફ્લોપ સાબિત થયેલા ઋષભ પંતને પસંદગીકારોએ મોટો ઝટકો આપતાં ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન પદેથી બરતરફ કરી દીધો છે. અગાઉ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ગિલની ગેરહાજરીમાં ભારતનું નેતૃત્વ કરનાર પંતના સ્થાને હવે અનુભવી લોકેશ (KL) રાહુલને ટીમનો નવો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આઈપીએલ ૨૦૨૬ માં ઋષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમે રહી છે, જેની સીધી અસર પંતના કરિયર પર પડી છે. કેપ્ટનશીપના દબાણમાં પંતનું પોતાનું બેટિંગ ફોર્મ પણ કથળ્યું છે અને તે આ સીઝનની ૧૨ મેચોમાં માત્ર ૨૫૧ રન જ બનાવી શક્યો છે. પોતાની આક્રમક રમત શૈલીના કારણે પંત લાંબા સમયથી ભારતની ટેસ્ટ ટીમનો મુખ્ય આધાર રહ્યો છે, પરંતુ તાજેતરના ખરાબ ફોર્મને જોતાં પસંદગીકારોએ ડેપ્યુટી તરીકે વધુ અનુભવી ખેલાડી પર ભરોસો મૂકવાનું યોગ્ય માન્યું છે.

KL રાહુલનું શાનદાર કમબેક અને બુમરાહને આરામ

બીજી તરફ, ભૂતકાળમાં પણ ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી ચૂકેલા KL રાહુલે શાનદાર વાપસી કરી છે. રાહુલ હાલમાં તમામ ફોર્મેટમાં બહેતરીન ફોર્મમાં ચાલી રહ્યો છે અને આઈપીએલ ૨૦૨૬ માં પણ તેણે ૫૦૦ થી વધુ રન ફટકારીને ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. આ શ્રેણી માટે ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે, જેના કારણે ઉપ-કેપ્ટનની રેસમાં KL રાહુલ સહેલાઈથી આગળ નીકળી ગયો હતો.

વનડે ટીમમાંથી પણ પંત પત્તું કપાયું, ઈશાન કિશન ઇન!

ઋષભ પંત માટે મુશ્કેલીઓ અહીં જ ખતમ નથી થતી, તેને ટેસ્ટની ઉપ-કેપ્ટનશીપ ગુમાવવાની સાથે વનડે (ODI) સેટઅપમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. વનડેમાં લાંબા સમયથી બેકઅપ વિકેટકીપર તરીકે રમી રહેલા પંતના સ્થાને હવે વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશનને તક આપવામાં આવી છે. તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઈશાન કિશન મિડલ ઓર્ડરથી લઈને ઓપનિંગ સુધી કોઈપણ સ્થાને બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલને ટીમ કોમ્બિનેશનમાં મોટી સુગમતા મળશે.

 

અફઘાનિસ્તાન ટેસ્ટ શ્રેણી માટે ભારતની સત્તાવાર ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, KL રાહુલ (ઉપ-કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે અને ધ્રુવ જુરેલ.

(5:03 PM IST)