News of Wednesday, 6th May 2026
IPL 2026ના પ્લેઓફ અને ફાઈનલ મેચોના સ્થળ અંગે મોટું અપડેટ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે ફાઈનલ જંગ
બેંગલુરુમાં ટિકિટ વિવાદને પગલે BCCI દ્વારા ફાઈનલનું સ્થળ બદલવાની હિલચાલ : ક્વોલિફાયર-૧ ધર્મશાળામાં જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-૨ ચંદીગઢમાં યોજાય તેવી પ્રબળ શક્યતા

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની વર્તમાન સિઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ વળી રહી છે ત્યારે કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે પ્લેઓફ અને ફાઈનલના વેન્યુને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે જે-તે વર્ષના ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર ફાઈનલ યોજવાની પરંપરા રહી છે, પરંતુ આ વખતે બીસીસીઆઈ (BCCI) પરંપરા તોડીને મેગા ફાઈનલનું યજમાન પદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સોંપે તેવી પ્રબળ સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્લેઓફના અન્ય મુકાબલાઓ પણ દેશના વિવિધ આકર્ષક સ્ટેડિયમોમાં વહેંચવા માટેનું આયોજન ઘડાઈ રહ્યું છે.
બેંગલુરુના ટિકિટ વિવાદે સમીકરણો બદલ્યા:
આઈપીએલના પ્રચલિત નિયમો મુજબ ફાઈનલ મેચ માટે બેંગલુરુ રેસમાં સૌથી આગળ હતું. જોકે, તાજેતરમાં ત્યાં ટિકિટના વેચાણ અને મેનેજમેન્ટને લઈને સર્જાયેલા ગંભીર વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વ્યૂહાત્મક ફેરફાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાય છે. મેનેજમેન્ટની આ ખામીઓને કારણે ભવિષ્યમાં કોઈ અગવડતા ન સર્જાય તે હેતુથી હવે ફાઈનલ જેવો હાઈ-વોલ્ટેજ જંગ અમદાવાદ ખસેડવા માટેની પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પ્લેઓફ મેચોનું સંભવિત માળખું:
નવા આયોજનના સંકેતો મુજબ, પ્લેઓફની પ્રથમ મેચ એટલે કે ક્વોલિફાયર-૧ હિમાચલ પ્રદેશના રમણીય મેદાન ધર્મશાળા ખાતે રમાઈ શકે છે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-૨ મેચોના યજમાન તરીકે ચંદીગઢનું નામ ચર્ચામાં છે. જો બીસીસીઆઈ આ માળખાને અંતિમ મંજૂરી આપશે, તો આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર પ્લેઓફ રાઉન્ડ આ રીતે ભૌગોલિક વિવિધતા ધરાવતા શહેરોમાં જોવા મળશે, જે ટુર્નામેન્ટના રોમાંચમાં વધારો કરશે.
સત્તાવાર જાહેરાતની રાહ:
બીસીસીઆઈ દ્વારા પ્લેઓફ અને ફાઈનલના ચોક્કસ સ્થળો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં તમામ ફ્રેન્ચાઈઝીઓ અને ચાહકો બોર્ડની આખરી યાદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ૨૮ માર્ચથી શરૂ થયેલી આ સિઝનની છેલ્લી લીગ મેચ ૨૪ મેના રોજ રમાશે અને ત્યારબાદ પ્લેઓફના જંગ જામશે. ૨૮ મેના રોજ રમાનારી ફાઈનલ મેચ માટે ટૂંક સમયમાં જ નવા શિડ્યુલની સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
