News of Wednesday, 8th July 2026
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ બ્લુ આર્મીનો ફિયાસ્કોઃ પ્રવાસી ભારતીય ટીમનો શરમજનક પરાજય
નબળી બેટિંગ અને ખરાબ વ્યૂહરચના નડી, ઈતિહાસમાં પ્રથમ વખત ૧૦૦થી વધુ રનના તોતિંગ અંતરથી મેચ ગુમાવવી પડી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને નવા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ એક મોટો અને અત્યંત શરમજનક ઝટકો લાગ્યો છે. શ્રેણીની રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમ દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ હતી અને વિરોધી ટીમે ભારતને કારમી પરાજય આપી નવો ઈતિહાસ રચી દીધો છે. ક્રિકેટ ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે જ્યારે અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમે ૧૦૦થી વધુ રનોના વિશાળ અંતરથી કોઈ મેચ ગુમાવવી પડી હોય. આ શરમજનક હારને પગલે ચાહકો સહિત ભૂતપૂર્વ ક્રિકેટરોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.મેચની શરૂઆતથી જ ભારતીય ટીમ દબાણમાં જોવા મળી હતી. વિરોધી ટીમના બોલરો સામે ભારતના સ્ટાર બેટ્સમેનો પિચના વર્તનને સમજવામાં સાવ નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે એક પછી એક વિકેટો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ટીમનો કોઈ પણ સિનિયર કે યુવા ખેલાડી ક્રિઝ પર ટકી શકયો ન હતો. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ નિરાશા વ્યક્ત કરતા સ્વીકાર્યું હતું કે, ખેલાડીઓ રનની ગતિ જાળવી રાખવામાં અને સિંગલ્સ-ડબલ્સ લેવામાં થાપ ખાઈ ગયા હતા. આ પરાજય સાથે ભારતીય ટીમના નામે એક એવો કલંકિત રેકોર્ડ નોંધાયો છે જેને ટીમ જલ્દીથી ભૂલવા માંગશે. હવે આગામી મેચોમાં ટીમ કમબેક કરી શકે છે કે નહીં તે જોવું રહ્યું.
ઉલ્લેખનિય છે કે આ મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૦૧ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની આખી ટીમ ૧૧.૪ ઓવરમાં ૭૬ રન બનાવી તંબુ ભેગી થઇ ગઇ હતી. છ બેટરો તો ડબલ ફીગરમાં પણ પહોંચી શકયા ન હતા. હવે આવતી કાલે સિરીઝની ચોથી ટી૨૦ મેચ રમાશે. ભારતે આ સિરીઝ સરચર કરવા બન્ને મેચ જીતવા પડશે નહિ તો સિરીઝમાં હારનો ભય છે. કાલે રાત્રે ૧૦ વાગ્યાથી મેચ શરૂ થશે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
