તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
વર્લ્ડ કપ જીતવા બ્લુ બ્રિગેડ તૈયાર: હરમનપ્રીતની સેનામાં નવા ચહેરાની એન્ટ્રી : લોર્ડ્સમાં રચાશે ઈતિહાસ
BCCIએ મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી : WPL સ્ટાર નંદિની શર્માને મળ્યું પ્રથમવાર સ્થાન : પાકિસ્તાન સામેના હાઈ-વોલ્ટેજ જંગ સાથે ટીમ ઈન્ડિયા કરશે અભિયાનની શરૂઆત

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા મહિને ઇંગ્લેન્ડની ધરતી પર રમાનારા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે BCCI એ મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. અનુભવી હરમનપ્રીત કૌરના હાથમાં ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે, જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન તરીકે જવાબદારી નિભાવશે. ગયા વર્ષે પ્રથમવાર વનડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચનારી ભારતીય ટીમ હવે મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત છે અને ઇંગ્લેન્ડની કન્ડિશનમાં પ્રથમવાર T20 ટાઇટલ પોતાના નામે કરવા માટે આતુર છે. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લેશે, જેમાં ભારતને કટ્ટર હરીફ પાકિસ્તાન અને વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે.
આ વખતની પસંદગીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર નામ ચંદીગઢની 24 વર્ષીય ફાસ્ટ બોલર નંદિની શર્માનું છે. નંદિનીએ તાજેતરમાં પૂરી થયેલી મહિલા પ્રીમિયર લીગ (WPL 2026) માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરતા 17 વિકેટ ઝડપી હતી, જેનો ફાયદો તેને સીધો વર્લ્ડ કપની ટિકિટ તરીકે મળ્યો છે. આ ઉપરાંત, અનુભવી રાધા યાદવ અને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાએ ટીમમાં પુનરાગમન કર્યું છે. બેટિંગ વિભાગમાં શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સની વિસ્ફોટક જોડી પર રન બનાવવાની જવાબદારી રહેશે, જ્યારે બોલિંગમાં રેણુકા સિંહ ઠાકુર અને દીપ્તિ શર્મા ભારતીય આક્રમણનું નેતૃત્વ કરશે.
ભારતીય ટીમ વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડ પહેલા ઇંગ્લેન્ડ સામે એક ઐતિહાસિક ટેસ્ટ મેચ પણ રમવાની છે, જે ક્રિકેટના મક્કા ગણાતા 'લોર્ડ્સ' મેદાન પર રમાશે. વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ ટક્કર 14 જૂને બર્મિંગહામ ખાતે પાકિસ્તાન સામે થશે, જે મેચ પર આખા વિશ્વની નજર રહેશે. આ ગ્રુપ સ્ટેજમાં ભારતને નેધરલેન્ડ્સ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે પણ રમવાનું છે, પરંતુ સૌથી મોટો પડકાર 28 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચ હશે. ભારતીય ખેલાડીઓ અત્યારે ફુલ ફોર્મમાં છે અને ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા ટૂંક સમયમાં ટ્રેનિંગ કેમ્પ માટે એકઠા થશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
