તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
કલકત્તા નાઇટ રાઇડર્સનો 'ગ્રીન' સંકલ્પ: હવે મેદાનમાં લાગશે રનનો પાવર અને ધરતી પર છવાશે હરિયાળી, દરેક રન દીઠ વવાશે ૧૦ વૃક્ષો
જુહી ચાવલાએ 'રન્સ ટુ રૂટ્સ' અભિયાન સાથે પર્યાવરણ જાળવણીનો છેડ્યો જંગ, ઈડન ગાર્ડન્સમાં કચરાના નિકાલ બાદ હવે સુંદરવનને નવપલ્લવિત કરવાનું લક્ષ્ય, બીજી તરફ રિન્કુ સિંહના કથળતા ફોર્મ અને અજિંક્ય રહાણેના કપ્તાનીના નબળા રેકોર્ડે ટીમની ચિંતામાં કર્યો તોતિંગ વધારો.

કોલકાતા: આઈપીએલની વર્તમાન સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં, પરંતુ પર્યાવરણના મેદાનમાં પણ છગ્ગા ફટકારવા તૈયાર થઈ છે. ટીમના માલિક જુહી ચાવલાએ 'રન્સ ટુ રૂટ્સ' નામની એક અનોખી અને પ્રશંસનીય પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત મેદાન પર ખેલાડીઓ દ્વારા લેવામાં આવતા દરેક ૧ રન માટે ટીમ ૧૦ વૃક્ષો વાવશે. આ સંખ્યા પાછલી સીઝન કરતા ૧૦ ગણી વધારે છે, જે દર્શાવે છે કે ટીમ સામાજિક જવાબદારી પ્રત્યે કેટલી ગંભીર છે. કલકત્તાના સુભાષ સરોવર લેક પાર્ક ખાતે વૃક્ષારોપણ કરીને આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ ટીમે સુંદરવનમાં ૬૦૦૦ વૃક્ષો વાવીને અને ઈડન ગાર્ડન્સનો હજારો કિલો કચરો રિસાયકલ કરીને પર્યાવરણ પ્રેમીઓનું દિલ જીત્યું છે.
પર્યાવરણના મોરચે ભલે ટીમ વિજયી રથ પર હોય, પરંતુ મેદાનમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં કોલકાતાને ૫ વિકેટે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ હાર સાથે જ કપ્તાન અજિંક્ય રહાણેના નામે એક એવો રેકોર્ડ નોંધાયો છે જે કોઈ પણ કપ્તાન ઈચ્છશે નહીં. રહાણે આઈપીએલ ઈતિહાસમાં ૨૫થી વધુ મેચોમાં કપ્તાની કરનાર ખેલાડીઓમાં સૌથી ઓછી જીતની ટકાવારી (માત્ર ૩૧.૮૧%) ધરાવતો કપ્તાન બની ગયો છે. રહાણેની કપ્તાની હેઠળ ટીમ અત્યાર સુધી રમાયેલી ૬ મેચોમાંથી એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી, જે ટીમ મેનેજમેન્ટ માટે ખતરાની ઘંટડી સમાન છે.
ટીમની બીજી મોટી ચિંતા સ્ટાર ફિનિશર રિન્કુ સિંહનું કથળતું ફોર્મ છે. ૨૦૨૩માં જે ખેલાડીએ પાંચ સિક્સ ફટકારીને આખા દેશને ચોંકાવ્યો હતો, તે રિન્કુ ૨૦૨૫ની સીઝનમાં સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. ૧૩ કરોડ રૂપિયાના તોતિંગ પગારે રમી રહેલો રિન્કુ ૬ ઇનિંગ્સમાં માત્ર ૭૯ રન જ કરી શક્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર 'વખાણેલી ખીચડી દાંતે વળગી' જેવી કહેવતો વહેતી થઈ છે. ગુજરાત સામે કૅમરન ગ્રીનના ૭૯ રન પણ એળે ગયા કારણ કે શુભમન ગિલની અણનમ ૮૬ રનની ઇનિંગે બાજી પલટી નાખી હતી. હવે જોવાનું એ રહે છે કે આગામી મેચોમાં કલકત્તા રનનો વરસાદ કરીને કેટલા વૃક્ષો વાવવાની તક ઊભી કરે છે અને જીતના પાટા પર ક્યારે પરત ફરે છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
