તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 7th September 2026
કેરેબિયન પ્રીમિયર લીગ ૨૦૨૬: મોહમ્મદ નબીના શાનદાર ઓલરાઉન્ડ દેખાવથી ગયાના એમેઝોન વોરિયર્સ પ્લેઓફમાં ક્વોલિફાય
૪૧ વર્ષીય અનુભવી ખેલાડીએ બોલિંગમાં ૪ વિકેટ ઝડપ્યા બાદ વિનિંગ સિક્સર ફટકારીને સેન્ટ કિટ્સ સામે અપરાજિત વિજય અપાવ્યો

બેંગલુરુ : કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ૨૦૨૬ ની ૨૮મી રોમાંચક મેચમાં ગયાના એમેઝોન વોરિયર્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સને ૭ વિકેટથી પરાજય આપીને આ સિઝનમાં પોતાની સતત છઠ્ઠી જીત નોંધાવી છે અને ઇમરાન તાહિરની આગેવાની હેઠળની આ ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન સત્તાવાર રીતે નિશ્ચિત કરી લીધું છે. ગયાનાના આ ભવ્ય વિજયના મુખ્ય હીરો ૪૧ વર્ષીય અફઘાન ઓલરાઉન્ડર મોહમ્મદ નબી રહ્યા હતા, જેમણે ઘાતક બોલિંગ અને વિસ્ફોટક બેટિંગનું અદ્ભુત પ્રદર્શન કરીને મેચની કાયાપલટ કરી નાખી હતી. અગાઉ એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે, ત્યારે ગયાનાનું આ અજેય અભિયાન ટૂર્નામેન્ટમાં ચર્ચાનો વિષય બન્યું છે.
મેચની શરૂઆતમાં સેન્ટ કિટ્સની ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ ૧૯.૨ ઓવરમાં માત્ર ૧૨૮ રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા, જેમાં એલિક એથાનાસે ૩૯ બોલમાં ૫૨ રનની ઇનિંગ રમી હતી જ્યારે કાયલ મેયર્સ અને દાસુન શનાકાએ ૨૦-૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ગયાના તરફથી શિસ્તબદ્ધ બોલિંગ કરતા મોહમ્મદ નબીએ માત્ર ૧૭ રન આપીને ૪ ઘાતક વિકેટ ઝડપી હતી, રોમારિયો શેફર્ડે ૩ અને શમાર જોસેફે ૨ વિકેટ મેળવીને સેન્ટ કિટ્સની બેટિંગ લાઇનઅપને ધરાશાયી કરી દીધી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગયાનાની ટીમે ૧૮.૩ ઓવરમાં ૩ વિકેટના નુકસાને ૧૩૨ રન બનાવીને સરળતાથી વિજય મેળવ્યો હતો, જેમાં ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે ૩૯ રન અને શાઈ હોપે અણનમ ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં શાનદાર ફોર્મમાં રહેલા મોહમ્મદ નબીએ વિસ્ફોટક બેટિંગ કરતા ૨૧ બોલમાં અણનમ ૨૫ રન બનાવ્યા હતા અને શાનદાર છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો, જ્યારે સેન્ટ કિટ્સ તરફથી નવીન બિદૈસીએ ૨ અને વાનિન્દુ હસરંગાએ ૧ વિકેટ લીધી હતી.
આ શાનદાર વિજય સાથે ગયાના એમેઝોન વોરિયર્સ પોઈન્ટ ટેબલ પર મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે અને આગામી સમયમાં પ્લેઓફની મેચોમાં તેમનોત્મસાહ સાતમા આસમાને રહેશે. ઇમરાન તાહિરની રણનીતિ અને મોહમ્મદ નબી જેવા અનુભવી ખેલાડીઓની ફોર્મ જોતા આ ટીમ આખી સિઝનમાં ખિતાબની પ્રબળ દાવાદાર તરીકે ઉભરી રહી છે, જે આગામી મુકાબલાઓને વધુ રોમાંચક બનાવશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
