<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ભારત સામેની ટી-૨૦ મેચ દરમિયાન અમ્પાયર સામે ગુસ્સો વ્યક્ત કરવો કેરિબિયન ખેલાડીઓને મોંઘો પડ્યો: મૅચ રેફરી પ્રકાશ ભટ્ટ નો રૉવમૅન પૉવેલ અને રુધરફર્ડને ઠપકો!

રાંચીની બીજી ટી-૨૦ મેચમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ કાર્યવાહી: બંને ખેલાડીઓના ખાતામાં એક-એક ડિમેરિટ પૉઇન્ટ ઉમેરાતા ક્રિકેટ જગતમાં મચી ચર્ચા

ઇન્દોર : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચો દરમિયાન મેદાન પરનો ઉત્સાહ ઘણીવાર ખેલાડીઓ માટે ભારે પડતો હોય છે. ભારત સામેની વન-ડે સિરીઝ ૧-૨થી ગુમાવ્યા બાદ હાલ પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૧-૨થી પાછળ ચાલી રહેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ માટે મુશ્કેલીઓ વધુ વધી છે. તાજેતરમાં રાંચી ખાતે રમાયેલી બીજી ટી-૨૦ મેચ દરમિયાન શાઇ હોપની કેરિબિયન ટીમના બે મહત્વપૂર્ણ ખેલાડીઓ - રૉવમૅન પૉવેલ અને શરફેન રુધરફર્ડને મેચ રેફરી પ્રકાશ ભટ્ટ દ્વારા જોરદાર ઠપકો આપવામાં આવ્યો છે અને તેમના નામે એક-એક ડિમેરિટ પૉઇન્ટ પણ નોંધવામાં આવ્યો છે.

 

ઘટનાની વિગતો મુજબ, મેચ દરમિયાન બેટ્સમેન રૉવમૅન પૉવેલે આઈસીસી (ICC) ની આચારસંહિતાની કલમ ૨.૨ નો ભંગ કર્યો હતો. તે મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મયંક યાદવે ૧૪૯.૫ કિમી/કલાકની ગતિથી એક ઘાતક અને ઝડપી બોલ ફેંક્યો હતો, જેના પર પૉવેલ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. મયંકના આ શાનદાર બોલે પૉવેલનું ઑફ સ્ટમ્પ ઉડાડીને દૂર ફેંકી દીધું હતું. માત્ર ૨૪ રને પોતાની વિકેટ ગુમાવવાથી ગુસ્સે ભરાયેલા પૉવેલે બેટથી બોલને જોરથી ફટકાર્યો હતો. ક્રિકેટના સાધન અને નિયમોનો આ પ્રકારે અનાદર કરવા બદલ તેને મેચ રેફરી દ્વારા સત્તાવાર રીતે ઠપકો આપવામાં આવ્યો હતો.

 

આ ઉપરાંત, વેસ્ટ ઇન્ડિઝના અન્ય ખેલાડી શરફેન રુધરફર્ડે આચારસંહિતાની કલમ ૨.૮ નો ભંગ કર્યો હતો. મેચની ૧૩મી ઓવરમાં એક બોલ વાઇડ હોવા અંગે રુધરફર્ડને ખાતરી હતી, પરંતુ અમ્પાયરે તેને વાઇડ ગણ્યો ન હતો. આ નિર્ણયથી નારાજ થઈને રુધરફર્ડે અમ્પાયર સામે જોઈને ગુસ્સો ઠાલવ્યો હતો અને મોટેથી બૂમ પાડીને અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ગરમાગરમી મેદાન પરના અમ્પાયરો જયરામ મદનગોપાલ, રોહન પંડિત તેમજ થર્ડ અમ્પાયર નીતિન મેનન અને ચોથા અમ્પાયર વીરેન્દર શર્માના ધ્યાને આવતા તેમણે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી.

 

જોકે, સુનાવણી દરમિયાન રૉવમૅન પૉવેલ અને શરફેન રુધરફર્ડ બંનેએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો, જેને ધ્યાનમાં રાખીને મેચ રેફરી પ્રકાશ ભટ્ટે તેમને મેચ-ફીના આર્થિક દંડ જેવી મોટી સજા કરવાને બદલે માત્ર સખત ઠપકો આપીને છોડી દીધા હતા. આગામી બુધવારે રમાનારી ચોથી ટી-૨૦ મેચમાં શ્રેણી બરાબરી પર લાવવા માટે કેરિબિયન ટીમ મેદાન પર ઉતરશે ત્યારે ખેલાડીઓની શિસ્ત પર પણ વિશેષ નજર રહેશે.

 

(8:18 PM IST)