<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ગુજરાત ટાઇટન્સ સામેના જંગ પૂર્વે ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ફટકો: માહીના ચાહકોની આશા પર ફેરવાયું પાણી, મેચ વિનર ખેલાડીની ગેરહાજરીથી ટીમની ચિંતા વધી

આઈપીએલ 2026 માં ખરાબ ફોર્મ અને ઈજાના ગ્રહણ વચ્ચે ઝઝૂમી રહેલી સીએસકે માટે કપરા ચઢાણ: મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ સો ટકા ફિટ ન હોવાથી આગામી મેચમાં રમવા અંગે સસ્પેન્સ, પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને સરકેલી ચેન્નાઈની ટીમમાં મોટા ફેરફારની શક્યતા

ચેન્નાઈ : આઈપીએલ 2026 ની વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સતત ત્રણ પરાજય બાદ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે ધકેલાઈ ગઈ છે, ત્યારે ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વની મેચ પહેલા જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ મેદાન પર પરત ફરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇજામાંથી રિકવર થઈ રહેલા ધોનીને આગામી મેચમાં પણ આરામ આપવામાં આવી શકે છે, જે માહીના લાખો ચાહકો માટે મોટો આંચકો માનવામાં આવે છે.

ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈની મધ્યમ ક્રમની બેટિંગ નબળી પડી હોય તેવું જણાઈ રહ્યું છે. સિઝનની શરૂઆતની સાત મેચો ગુમાવ્યા બાદ એવી આશા હતી કે તે ગુજરાત સામે મેદાનમાં ઉતરશે, પરંતુ ફિટનેસના અભાવે ફ્રેન્ચાઇઝી હવે કોઈ જોખમ લેવા માંગતી નથી. એવું માનવામાં આવે છે કે ધોની આ સિઝનની માત્ર અંતિમ ૨ થી ૩ લીગ મેચોમાં જ સક્રિય ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. તેમની જગ્યાએ ટીમમાં કાર્તિક શર્મા જેવા યુવા ખેલાડીને વધુ એક તક મળી શકે છે, જેના પર ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવાની મોટી જવાબદારી રહેશે.

ટીમ મેનેજમેન્ટ અત્યારે સંજુ સેમસન અને રુતુરાજ ગાયકવાડ જેવા અનુભવી ખેલાડીઓ પર નિર્ભર છે. ગુજરાત ટાઇટન્સ જેવી મજબૂત ટીમ સામે ટકવા માટે સીએસકેએ તેની પ્લેઇંગ ઇલેવનમાં સંતુલન જાળવવું પડશે. અકીલ હુસૈન અને નૂર અહેમદ જેવા સ્પિનરો પર રન રોકવાની જવાબદારી રહેશે, જ્યારે શિવમ દુબે પાસેથી વિસ્ફોટક ઇનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો ચેન્નાઈ આ મેચ હારશે તો પ્લેઓફની રેસમાં તેમની સફર વધુ મુશ્કેલ બની શકે છે, જેના લીધે હવે કરો યા મરો જેવી સ્થિતિ સર્જાઈ છે.

(2:17 PM IST)