News of Thursday, 16th April 2026
ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, સ્ટાર બોલર ખલીલ અહમદ ગ્રેડ-2 ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે IPL 2026માંથી બહાર
KKR સામેની મેચમાં ઓવર વચ્ચે ઈજાગ્રસ્ત થયો, 10થી 12 અઠવાડિયા રિહેબમાં જશે; CSKની બોલિંગ ચિંતા વધી

ચેન્નાઈ, તા.16: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદ ગ્રેડ-2 ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે ટુર્નામેન્ટના બાકીના મુકાબલામાંથી બહાર થઈ ગયો છે. CSKએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ખલીલના બહાર થવાની પુષ્ટિ કરી છે અને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે
14 એપ્રિલે ચેપોક ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન ખલીલને જમણા જાંઘના ભાગમાં દુખાવો થયો હતો. પોતાની ઓવર પૂરી કરી શક્યો ન હતો અને એક જ બોલ નાંખ્યા બાદ મેદાન છોડવું પડ્યું હતું. ત્યારબાદ ગુરજપનીત સિંહે ઓવર પૂરી કરી હતી.
IPLના સૂત્રો અનુસાર ખલીલને ગ્રેડ-2 ક્વાડ્રિસેપ્સ ટીયર છે અને રિકવરીમાં 10થી 12 અઠવાડિયા લાગશે. CSKની હજુ 9 લીગ મેચ બાકી છે, જેને જોતા તેની આ સિઝન પૂરી થઈ ગઈ છે.
28 વર્ષીય ખલીલ અહમદે આ સિઝનમાં CSK માટે તમામ પાંચેય મેચ રમી હતી. 16.5 ઓવરમાં 146 રન આપી 2 વિકેટ લીધી હતી. આંકડા સામાન્ય લાગે, પણ પાવરપ્લેમાં વહેલી વિકેટ કાઢવા અને રન રોકવા માટે કેપ્ટન તેના પર ભરોસો રાખતો હતો. CSKએ ખરાબ શરૂઆત બાદ છેલ્લી બે મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં આઠમું સ્થાન મેળવ્યું છે.
ખલીલની ગેરહાજરીથી CSKની બોલિંગ ચિંતા વધી ગઈ છે. નાથન એલિસ પહેલેથી ઈજાગ્રસ્ત છે, મેટ હેનરી ફોર્મમાં નથી અને સ્પેન્સર જોન્સન હજુ ટીમ સાથે જોડાયો નથી. હવે મુકેશ ચૌધરી ફિટ હશે તો તેને તક મળી શકે છે. રામકૃષ્ણ ઘોષ પેસ-બોલિંગ ઓલરાઉન્ડર તરીકે વિકલ્પ છે. 18 એપ્રિલે હૈદરાબાદ સામેની મેચમાં બોલિંગ કોમ્બિનેશન પર સૌની નજર રહેશે.
CSKની મુશ્કેલી અહીં પૂરી થતી નથી. પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ કાફ સ્ટ્રેનથી પીડાઈ રહ્યો છે. 44 વર્ષીય ધોનીએ હળવી ટ્રેનિંગ શરૂ કરી છે પણ મેચ ફિટનેસ હજુ નથી. 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેની વાપસીની શક્યતા છે.
ખલીલ અહમદે ભારત માટે 11 ODI અને 18 T20 મેચ રમી છે. છેલ્લી વખત તે જુલાઈ 2024માં ભારત માટે મેદાને ઉતર્યો હતો.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
