તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ટેસ્ટ ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ' ચેતેશ્વર પૂજારાનો લંડનમાં ડંકો : MCCએ સર્વોચ્ચ સન્માન આપી આજીવન સભ્યપદ એનાયત કર્યુ
ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ : લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રાજકોટના લાડીલા ક્રિકેટરની સિદ્ધિથી ક્રિકેટ જગત સ્તબ્ધ!

નવી દિલ્હી : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના આધારસ્તંભ અને સૌરાષ્ટ્રના ગૌરવ સમાન દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાતનું નામ ફરી એકવાર રોશન કર્યું છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને જૂના ક્રિકેટ ક્લબ ગણાતા લંડનના મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા ચેતેશ્વર પૂજારાને તેની અદ્દભુત ક્રિકેટ કારકિર્દી અને રમત પ્રત્યેના સમર્પણ બદલ આજીવન માનદ સભ્યપદ (Lifetime Honorary Membership) આપીને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
ટેસ્ટ ક્રિકેટમા ‘નવી દિવાલ' તરીકે ઓળખાતા પૂજારાએ ભારત તરફથી રમતા અનેક ઐતિહાસિક ઇનિંગ્સ રમીને દેશને જીત અપાવી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગબ્બા ટેસ્ટ સહિતની મેચોમાં શરીર પર દડા ખાઈને પણ ક્રિઝ પર અડીખમ રહી ભારતને શ્રેણી જીતાડવામાં તેનો સિંહફાળો રહ્યો હતો. પૂજારાની આ ક્લાસિક બેટિંગ શૈલી અને રમતની ગરિમાને ધ્યાને રાખીને જ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ ગ્રાઉન્ડની માલિકી ધરાવતા MCC ક્લબે આ મોટો નિર્ણય લીધો છે.
આ સન્માન સાથે જ ચેતેશ્વર પૂજારા હવે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને એમ.એસ. ધોની જેવા ભારતના મહાન ક્રિકેટરોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. રાજકોટના આ લોકપ્રિય ક્રિકેટરને આ આંતરરાષ્ટ્રીય સન્માન મળતા જ સમગ્ર સૌરાષ્ટ્ર અને ક્રિકેટપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર તેના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
