<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ક્રિકેટમાં ભ્રષ્ટાચારનું ગ્રહણ: ICCએ કેનેડા ક્રિકેટ બોર્ડનું ગળું દબાવ્યું: ફંડિંગ પર રોક!

ગેરવહીવટ અને મેચ ફિક્સિંગના ગંભીર આરોપો બાદ કેનેડિયન ક્રિકેટની કમ્મર તૂટી : સત્તાવાર ભંડોળ અટકાવી દેતા ખેલાડીઓના પગાર અને ટૂર્નામેન્ટ્સ પર લટકતી તલવાર

દુબઈ:  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ક્રિકેટ કેનેડા પર આકરી કાર્યવાહી કરી છે. બોર્ડમાં ચાલતી વહીવટી અનિયમિતતાઓ અને શાસન સ્તરે થયેલા કથિત ગોટાળાને કારણે ICC એ આગામી છ મહિના માટે કેનેડાનું તમામ ભંડોળ સ્થગિત કરી દીધું છે. આ નિર્ણય કેનેડિયન ક્રિકેટ માટે મરણતોલ ફટકો સમાન છે, કારણ કે બોર્ડની કુલ આવકનો 63 ટકા હિસ્સો સીધો ICC ની ગ્રાન્ટમાંથી આવે છે. હવે લગભગ 3.6 મિલિયન કેનેડિયન ડોલર (આશરે 22 કરોડ રૂપિયા) નું ફંડ અટકી જવાથી કેનેડામાં ક્રિકેટની પ્રવૃત્તિઓ ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

કેનેડિયન ક્રિકેટમાં વિવાદોનો સિલસિલો માત્ર નાણાકીય બાબતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં 'ફિક્સિંગ' ના કાળા પડછાયા પણ દેખાઈ રહ્યા છે. તપાસ કાર્યક્રમ "ફિફ્થ એસ્ટેટ" ના ખુલાસા બાદ ICC નું એન્ટિ કરપ્શન યુનિટ અત્યારે રડાર પર છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપ 2024 માં કેનેડા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ શંકાના દાયરામાં છે. આ ઉપરાંત, પૂર્વ કોચ ખુર્રમ ચૌહાણના એક લીક થયેલા ઓડિયોએ ખળભળાટ મચાવ્યો છે, જેમાં ટીમ પસંદગીમાં બાહ્ય દખલગીરી અને ખેલાડીઓ પર ચોક્કસ રીતે રમવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે.

આ સંકટના વાદળો વચ્ચે, ક્રિકેટ કેનેડાએ પોતાની છબી સુધારવા માટે ઉતાવળે સુધારાની પ્રક્રિયા હાથ ધરી છે. વાર્ષિક સામાન્ય સભામાં નવા નવ સભ્યોના બોર્ડની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ ICC હાલમાં 'થોભો અને રાહ જુઓ' ની નીતિ અપનાવી રહ્યું છે. જો આગામી છ મહિનામાં ગવર્નન્સ અને પારદર્શિતામાં સુધારો નહીં જણાય, તો કેનેડા પર કાયમી પ્રતિબંધ અથવા તેની સદસ્યતા રદ થવા જેવા કઠોર નિર્ણયો લેવામાં આવી શકે છે. ગેંગસ્ટર શેડો અને મેચ ફિક્સિંગના આરોપોએ કેનેડિયન ક્રિકેટને વિશ્વ ફલક પર શરમાવી દીધું છે.

(5:59 PM IST)