<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ક્રિકેટ ફેન્સ ડબલ ધમાકા માટે તૈયાર: ૧૫ ઓગસ્ટથી શરૂ થશે ભારત-શ્રીલંકા વચ્ચે હાઈ-વોલ્ટેજ જંગ, ગાલે અને કોલંબોમાં રમાશે WTC શ્રેણી!

શુભમન ગિલના કેપ્ટનશીપ યુગની કસોટી; શ્રીલંકાના સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનોની લિટમસ ટેસ્ટ, જાણો સમગ્ર શિડ્યુઅલ

કોલંબો, : વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે એક શાનદાર અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી ૧૫ ઓગસ્ટથી પાડોશી દેશ શ્રીલંકા સામે બે મેચની ધમાકેદાર ટેસ્ટ શ્રેણી રમવા માટે સજ્જ થઈ ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) દ્વારા ગુરુવારે સત્તાવાર રીતે આ શ્રેણીના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. આ બંને મેચો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના વર્તમાન ચક્રનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે, જેના કારણે બંને ટીમો ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે પોતાનું સર્વસ્વ પ્રદર્શિત કરશે.
ગાલે અને કોલંબો બનશે મહાસંગ્રામના સાક્ષી
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ રોમાંચક ટેસ્ટ શ્રેણી ૧૫ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમિયાન રમાશે.
•    પ્રથમ ટેસ્ટ મેચ: ૧૫ ઓગસ્ટના રોજ ઐતિહાસિક 'ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ' ખાતે રમાશે.
•    બીજી ટેસ્ટ મેચ: ૨૩ ઓગસ્ટથી કોલંબોના પ્રખ્યાત 'એસએસસી' (SSC) મેદાન પર રમાશે.
અત્યાર સુધી બે વખત WTC ની ફાઇનલમાં પહોંચવા છતાં ખિતાબથી વંચિત રહેલી ભારતીય ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે, જ્યારે શ્રીલંકાની ટીમ તેનાથી બરાબર પાછળ એટલે કે છઠ્ઠા સ્થાને છે. આથી, બંને ટીમો માટે આ શ્રેણી કરો યા મરો સમાન સાબિત થશે.
કેપ્ટન શુભમન ગિલ અને ભારતીય બેટ્સમેનોની મોટી અગ્નિપરીક્ષા
ભારતીય ક્રિકેટમાં હવે શુભમન ગિલના નેતૃત્વ હેઠળના નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે. ભારતે ગિલની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ૨-૨ થી શ્રેણી ડ્રો કરી હતી અને ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે શાનદાર જીત મેળવી હતી. જોકે, ગત વર્ષે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે થયેલા શરમજનક વ્હાઇટવોશને કારણે ભારતીય બેટ્સમેનોની સ્પિન બોલિંગ રમવાની ક્ષમતા પર ગંભીર સવાલો ઉભા થયા હતા. હવે શ્રીલંકાની ટર્નિંગ પિચો પર ત્યાંના ઘાતક સ્પિનરો સામે રન બનાવવા એ ભારતીય બેટિંગ લાઇન-અપ માટે એક લિટમસ ટેસ્ટ સમાન રહેશે.
૯ વર્ષ જૂનો ઈતિહાસ દોહરાવશે ભારત? ભારતીય ટીમે છેલ્લે વર્ષ ૨૦૧૭ માં ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. તે સમયે ભારતે અદભુત પ્રદર્શન કરીને શ્રીલંકાને તેના જ ઘરમાં ૩-૦ થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ વર્ષે શ્રીલંકાના પ્રવાસ બાદ, ટીમ ઈન્ડિયા નવેમ્બર-ડિસેમ્બરમાં વધુ એક મોટી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે પણ જવાની છે.
શ્રીલંકાના હોમ ગ્રાઉન્ડ પર એશિયન કંડિશનની આ લડાઈ અત્યંત રોમાંચક બનવાની આશા છે. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન ગિલ અને તેની સેના શ્રીલંકાના સ્પિન ચક્રવ્યૂહને ભેદીને ડબલ્યુટીસી (WTC) ના ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે કે નહીં!

(8:53 PM IST)