<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ક્રિકેટ, કેન્સર સામેની જંગ અને માતૃપ્રેમ: દક્ષિણ આફ્રિકાના વિજય પાછળ છુપાયેલી એક ભાવુક કહાની, બાવુમા અને મિલરની સદીઓએ જીત્યા કરોડો દિલ

‘વાન્ડરર્સ’માં મેજેન્ટા કિટ પહેરીને મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે સ્તન કેન્સર સામે ઝઝૂમતી મહિલાઓને આપ્યું અનોખું સન્માન: ડેવિડ મિલરે પોતાની માતા માટે રમી ૧૪૨ રનની યાદગાર ઇનિંગ્સ.

જોહાનિસબર્ગ : ક્યારેક રમતગમત માત્ર હાર-જીત કે આંકડાઓ પૂરતી સીમિત નથી હોતી, પરંતુ તે સમાજને એક સુંદર અને માનવીય સંદેશ આપવાનું માધ્યમ બની જાય છે. જોહાનિસબર્ગના ઐતિહાસિક 'વાન્ડરર્સ' સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં કંઈક આવો જ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ મેચ ૩૨ રને જીતીને શ્રેણી પર કબજો તો જમાવ્યો, પરંતુ તે પહેલાં ખેલાડીઓએ રચેલી એક ભાવુક ક્ષણે વિશ્વભરના ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.

 

સ્તન કેન્સર (Breast Cancer) સામેની લડાઈમાં જાગૃતિ લાવવા અને ભંડોળ એકત્ર કરવાના હેતુથી ૨૦૧૩થી ચાલી આવતી પરંપરા મુજબ દક્ષિણ આફ્રિકાની આખી ટીમ ખાસ ગુલાબી (મેજેન્ટા/ફ્યુશિયા) રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. પરંતુ આ વખતે ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ એક અત્યંત સ્પર્શક પહેલ કરી હતી. ખેલાડીઓની જર્સીની પાછળ તેમના પોતાના નામ લખવાને બદલે સ્તન કેન્સર સામેની જંગ જીતનારી કે લડી રહેલી વીર મહિલાઓના નામ છાપવામાં આવ્યા હતા. મેચ શરૂ થાય તે પહેલાં તમામ ખેલાડીઓ આ મહિલાઓ સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું.

 

આ ખાસ ક્ષણ દરમિયાન વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરની જર્સી પર તેની પોતાની માતાનું નામ લખેલું હતું. મિલરે અત્યંત ભાવુક બનીને બ્રોડકાસ્ટર્સને જણાવ્યું હતું કે, "મારી માતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ગંભીર બીમારી સામે ભારે સંઘર્ષ કર્યો છે. શર્ટ પર આ રીતે વ્યક્તિગત સ્પર્શ હોવો એ અદ્ભુત વિચાર છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર મારી માતાનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે જીવનનો સૌથી મોટો આનંદ છે." મિલરે આ જર્સી પહેરીને પોતાની માતા અને તમામ કેન્સર પીડિતોના સન્માનમાં ૯૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ૧૪૨ રનની તાબડતોબ અને કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી.

 

માતૃપ્રેમ અને સામાજિક જવાબદારીની આ મેચમાં કેપ્ટન ટેમ્બા બાવુમાએ પણ ૧૦૩ રનની ધૈર્યપૂર્વકની સદી ફટકારીને મિલર સાથે ૧૫૬ રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંનેની સદીઓના દમ પર દક્ષિણ આફ્રિકાએ ૩૬૫ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. સામે પક્ષે ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડે ૮૪-૮૪ રન બનાવી આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ અંતે આફ્રિકન સ્પિનરોના શાનદાર સ્પેલ સામે કાંગારુ ટીમ ૩૩૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે સતત છઠ્ઠી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતીને પોતાનું પ્રભુત્વ ફરી એકવાર પુરવાર કર્યું છે.

(5:42 PM IST)