તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 31st July 2026
CWG 2026 માં ભારતીય જુડોકાઓનો દબદબો: અસ્મિતા ડે, હર્ષ સિંહ અને યામિની મૌર્યા ફાઇનલમાં, ભારત માટે વધુ 3 મેડલ પાકા!
સેમિફાઇનલમાં વિરોધીઓને ધૂળ ચાટતી કરીને સુવર્ણચંદ્રકની રેસમાં આગળ વધ્યા ભારતીય ખેલાડીઓ; આજે રાત્રે ગોલ્ડ મેડલ માટે ખેલાશે જંગ.

બરમિંગહામ : કોમનવેલ્થ ગેમ્સ 2026 (CWG 2026) માં ભારતીય ખેલાડીઓનું અદ્ભુત પ્રદર્શન સતત જારી છે. બોક્સિંગ બાદ હવે જુડોની રમતમાં પણ ભારતે મોટો ધડાકો કરતા એકસાથે ત્રણ મેડલ નિશ્ચિત કરી લીધા છે. શુક્રવારે રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની અસ્મિતા ડે, હર્ષ સિંહ અને યામિની મૌર્યાએ પોતપોતાની વજન કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ ત્રણેય ખેલાડીઓએ ભારત માટે ઓછામાં ઓછા સિલ્વર મેડલ પાકા કરી લીધા છે અને આજે રાત્રે જ તેઓ ગોલ્ડ મેડલ પર નિશાનો સાધવા રિંગમાં ઉતરશે.
મહિલાઓની 48 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં અસ્મિતા ડેએ અદ્ભુત વાપસી કરીને સ્કોટલેન્ડની સમર શો ને 'યુકો' પોઈન્ટથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં પણ તેણે સ્કોટલેન્ડની જ ઇવા ઇવિંગને 'ઇપ્પોન' થી માત આપી હતી. હવે ગોલ્ડ મેડલની રેસમાં અસ્મિતાનો સામનો કેનેડાની હેઇડી ક્વાચ સામે થશે. બીજી તરફ, પુરુષોના 60 કિગ્રા વર્ગમાં હર્ષ સિંહે કડક સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાના પેડ્રો કાર્લોસને 'વાઝા-અરી' થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેની ટક્કર ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાત્ઝ સામે થશે.
ફાઇનલમાં પહોંચેલા ભારતીય ખેલાડીઓ:
· અસ્મિતા ડે (48 કિગ્રા): સ્કોટલેન્ડની ખેલાડીને હરાવી ફાઇનલમાં; ફાઇનલ મુકાબલો કેનેડાની હેઇડી ક્વાચ સામે.
· હર્ષ સિંહ (60 કિગ્રા): ઓસ્ટ્રેલિયાના જુડોકાને માત આપી ફાઇનલમાં પ્રવેશ; ફાઇનલ મુકાબલો જોશુઆ કાત્ઝ સામે.
· યામિની મૌર્યા (57 કિગ્રા): સાઉથ આફ્રિકાની ડોનેને 'ઇપ્પોન' થી હરાવી ફાઇનલમાં; ફાઇનલ મુકાબલો ઇંગ્લેન્ડની એસેલ્યા ટોપરાક સામે.
મહિલાઓની 57 કિગ્રા કેટેગરીમાં યામિની મૌર્યાએ શરૂઆતથી જ પ્રભાવશાળી રમત દર્શાવી હતી અને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ડોને બ્રેટેનબેકને 'ઇપ્પોન' દ્વારા એકતરફી અંદાજમાં હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, ભારતને મહિલા 52 કિગ્રામાં શ્રદ્ધા કડુબલ ચોપડે અને પુરુષોની 66 કિગ્રા કેટેગરીમાં રોહિત બસીર મજગુલ રેપેચેજ રાઉન્ડમાં હારી જતાં નિરાશા સાંપડી હતી. આમ છતાં, જુડોમાં એકસાથે ત્રણ ફાઇનલ બર્થ સીલ થતાં ભારતીય છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
