News of Friday, 1st May 2026
ક્રિકેટના મેદાનમાં 'સ્વિંગના સુલતાન'નો દબદબો: ભુવનેશ્વર કુમારે જસપ્રીત બુમરાહને પછાડ્યો, બન્યો ભારતનો બીજા નંબરનો સૌથી સફળ T20 બોલર!
ટી૨૦ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ ઝડપનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો ભુવનેશ્વર; યુઝવેન્દ્ર ચહલ હજુ પણ ટોચ પર, જાણો કોણ છે ભારતના ટોપ-૫ વિકેટ ટેકર્સ.

રાજકોટ: તા.૦૧: ટી૨૦ ક્રિકેટના ફોર્મેટમાં ભારતીય બોલરોનો ડંકો વાગી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભુવનેશ્વર હવે ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ભારતીય બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ મામલે ભારતના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. ભુવનેશ્વર હવે ભારતનો એવો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે જેણે આ ફોર્મેટમાં ૩૫૦ વિકેટનો આંકડો પાર કર્યો હોય.
આ યાદીમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ૩૯૧ વિકેટ સાથે હજુ પણ પ્રથમ સ્થાને અડિગ છે. ચહલની આ વિકેટોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ, આઈપીએલ (IPL) અને ડોમેસ્ટિક ટી૨૦ના આંકડા સામેલ છે. બીજી તરફ, ભુવનેશ્વર કુમારે પોતાની શાનદાર સ્વિંગ બોલિંગના જોરે ૩૫૦ વિકેટ પૂર્ણ કરીને બીજા નંબરનું સ્થાન કબજે કર્યું છે.
જસપ્રીત બુમરાહ માટે આ આંકડા થોડા નિરાશાજનક રહ્યા છે. બુમરાહ પાસે ૩૫૦ વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય પેસર બનવાની તક હતી, પરંતુ આઈપીએલની છેલ્લી સીઝનમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન રહેતા તે ૩૪૭ વિકેટ સાથે હવે ત્રીજા સ્થાને ફેંકાઈ ગયો છે. આ યાદીમાં ચોથા સ્થાને પીયૂષ ચાવલા છે જેણે ૩૨૭ વિકેટ ઝડપી છે, જોકે તે હવે માત્ર વિદેશી લીગમાં જ રમતા જોવા મળે છે.
યાદીમાં પાંચમું નામ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું છે. અશ્વિને ૩૧૭ વિકેટ સાથે પોતાની ટી૨૦ કારકિર્દી વિરામ આપ્યો છે. આમ, ભારતના ટોપ-૫ બોલરોમાં બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરોએ પોતાની જગ્યા બનાવી છે. ભુવનેશ્વરની આ સફળતા સાબિત કરે છે કે અનુભવ અને સ્વિંગ આજે પણ ટી૨૦ જેવા ફાસ્ટ ફોર્મેટમાં એટલા જ અસરકારક છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
