તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
ડિસેમ્બરમાં ક્રિકેટપ્રેમીઓ માટે ડબલ ધમાકો: અમદાવાદમાં રમાશે ભારત-શ્રીલંકા વચ્ચે બે ધમાકેદાર મેચ, દિલ્હીને મોટો ઝટકો
અરુણ જેટલી સ્ટેડિયમમાં રિનોવેશનનું કામ શરૂ થતાં બીસીસીઆઈનો મોટો નિર્ણય, પ્રથમ વન-ડે મેચ હવે દિલ્હીથી ખસેડીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે

નવી દિલ્હી : આગામી ડિસેમ્બર મહિનામાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી દ્વિપક્ષીય શ્રેણીને લઈને ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શિડ્યુલમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદના ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. હવે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ દિલ્હીને બદલે અમદાવાદમાં એક નહીં પરંતુ બે વખત મેદાન પર રમતા જોવા મળશે, જ્યારે દિલ્હીના ક્રિકેટ રસિકોને મોટો આંચકો લાગ્યો છે.
શ્રીલંકન ટીમ આગામી ડિસેમ્બરમાં ભારત પ્રવાસે આવવાની છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની વન-ડે અને 3 મેચની ટી20 શ્રેણી રમાવાની છે. આ પ્રવાસ અંતર્ગત અગાઉ 13 ડિસેમ્બરે યોજાનારી પ્રથમ વન-ડે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની હતી. પરંતુ રિપોર્ટ્સ અને સત્તાવાર વિગતો અનુસાર, સ્ટેડિયમમાં ચાલી રહેલા નવીનીકરણ અને માળખાકીય સુધારણાના કારણે આ મેચ હવે તે જ તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. આ ફેરફારથી અમદાવાદ હવે આ શ્રેણીની બે વન-ડે મેચોનું યજમાન બનશે.
દિલ્હીથી મેચ ખસેડવાનું મુખ્ય કારણ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા અરુણ જેટલી સ્ટેડિયમમાં હાથ ધરવામાં આવેલ મોટું રિનોવેશન છે. સ્ટેડિયમની પિચ, આઉટફિલ્ડ, અત્યાધુનિક સબ-એર ડ્રેનેજ સિસ્ટમ અને અન્ય માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાની યોજના હોવાથી આ સ્થળ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય મેચો માટે અનુપલબ્ધ રહેશે. આ કાયાકલ્પની સીધી અસર સ્થાનિક રમતગમત પર પણ પડી છે, જેના કારણે દિલ્હીની રણજી ટીમ તથા અન્ય ઘરેલું અને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટો માટે પાલમ અને જામિયા મિલિયા ઇસ્લામિયા મેદાનને વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરવા પડ્યા છે.
આગામી ભારત-શ્રીલંકા શ્રેણીના સુધારેલા કાર્યક્રમ મુજબ, વન-ડે સિરીઝની પ્રથમ મેચ 13 ડિસેમ્બરે અમદાવાદમાં, બીજી વન-ડે 16 ડિસેમ્બરે ચેન્નાઈમાં અને ત્રીજી વન-ડે 19 ડિસેમ્બરે પુનઃ અમદાવાદમાં રમાશે. જ્યારે ટી20 શ્રેણીની પ્રથમ મેચ 22 ડિસેમ્બરે રાજકોટમાં, બીજી મેચ 25 ડિસેમ્બરે કટકમાં અને ત્રીજી મેચ 27 ડિસેમ્બરે પુણેમાં યોજાશે. આ નવા શેડ્યુલથી ગુજરાતના ક્રિકેટરસિકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
