News of Tuesday, 22nd September 2026
ઈંગ્લેન્ડના 'એક્સપ્રેસ ફાસ્ટ બોલર' માર્ક વુડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ: સતત ઈજાઓથી પરેશાન થઈને ૨૫૩ વિકેટ સાથે ૧૦ વર્ષની ઝળહળતી કારકિર્દી પર મુક્યું પૂર્ણવિરામ
૨૦૧૯ વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૨૨ T20 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લિશ ટીમના મુખ્ય હથિયાર રહેલા વુડે આખરે બોલિંગ રન-અપ છોડ્યો: ૧૫૦+ કિમી/કલાકની એક્સપ્રેસ સ્પીડથી બેટ્સમેનોને થથરાવનાર સ્પીડસ્ટરની વિદાય

લંડન, તા.૨૨: ઈંગ્લેન્ડ ક્રિકેટ ફેન્સ માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ૧૫૦ કિમી/કલાકથી વધુની કાળઝાળ ઝડપે બોલિંગ કરીને વિશ્વભરના બેટ્સમેનોના સ્ટમ્પ ઉડાડનારા ઈંગ્લેન્ડના સ્ટાર ઝડપી બોલર માર્ક વુડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ડરહામના આ ૩૪ વર્ષીય ફાસ્ટ બોલરની ૧૦ વર્ષ લાંબી ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે.
સતત ઈજાઓની સમસ્યા, ખાસ કરીને ઘૂંટણની તકલીફને કારણે માર્ક વુડ માટે ત્રણેય ફોર્મેટમાં રમત ચાલુ રાખવી અશક્ય બની ગઈ હતી. તેમણે છેલ્લે નવેમ્બર ૨૦૨૫માં પર્થ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ ટેસ્ટ દરમિયાન ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ ઈજાના કારણે તેઓ એશિઝ શ્રેણીની મોટાભાગની મેચોમાંથી બહાર રહ્યા હતા. ડોક્ટરોની તબીબી સલાહ બાદ તેમણે ભારે હૃદયે નિવૃત્તિનો નિર્ણય લીધો છે.
૨૫૩ આંતરરાષ્ટ્રીય વિકેટ અને બે વર્લ્ડ કપ વિજયનો તાજ
વુડે ૧૪૬ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૨૫૩ વિકેટ ઝડપીને વિદાય લીધી છે. જેમાં ૩૮ ટેસ્ટમાં ૧૧૯ વિકેટ, ૮૦ વન-ડેમાં ૧૩૭ વિકેટ અને ૫૪ T20 મેચોમાં ૯૭ વિકેટનો સમાવેશ થાય છે. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ ઈંગ્લેન્ડની બે વર્લ્ડ કપ જીતમાં તેમનું યોગદાન રહ્યું છે. તેઓ ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપમાં ૧૮ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય હીરો રહ્યા હતા, જ્યારે ૨૦૨૨ના T20 વર્લ્ડ કપમાં પણ તેમણે ૪ મેચમાં ૯ વિકેટ ઝડપીને ટાઈટલ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
નિવૃત્તિ અંગે વાત કરતા વુડે લાગણીશીલ બનીને જણાવ્યું કે, "મારા શરીરે મને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે હવે આગળ વધવું મુશ્કેલ છે. દેશ માટે રમવું, વિશ્વભરમાં શ્રેષ્ઠ ખેલાડીઓ સામે બોલિંગ કરવી અને બે વર્લ્ડ કપ જીતવા એ મારી જિંદગીની સૌથી અદ્ભુત યાદો છે." ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ વુડના જુસ્સા અને તેમની રોમાંચક સ્પીડના વખાણ કરતાં તેમને ઈંગ્લિશ ક્રિકેટના મહાન ફાસ્ટ બોલરોમાંથી એક ગણાવ્યા હતા.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
