તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે બાબર આઝમનો રેકોર્ડ તોડીને બિગ બેશ લીગ (BBL) ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બનવાનો ઇતિહાસ રચ્યો; એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે રૂ. ૩.૩૦ કરોડથી વધુનો જંગી કરાર
૧૨ વર્ષના લાંબા અંતરાલ બાદ બીબીએલમાં પુનરાગમન કરતા સ્ટોક્સ આખી સિઝન માટે ઉપલબ્ધ રહેશે; આઈપીએલના અધધ... કરોડોના વેતન સામે આ રકમ સાવ મામૂલી હોવાની પણ ચર્ચા

એડિલેડ : ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી૨૦ લીગ ‘બિગ બેશ લીગ’ (BBL) ના ઇતિહાસમાં એક મોટો અને ચોંકાવનારો રેકોર્ડ નોંધાયો છે. ઇંગ્લેન્ડના ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણાતા બેન સ્ટોક્સે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમનો રેકોર્ડ તોડીને બીબીએલ ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી બનવાનું ગૌરવ મેળવ્યું છે. સ્ટોક્સે એડિલેડ સ્ટ્રાઈકર્સ (Adelaide Strikers) સાથે આ સિઝન માટે અંદાજે રૂ. ૩.૩૦ કરોડ (૫,૦૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર) નો રેકોર્ડબ્રેક કરાર કર્યો છે.
આગામી બિગ બેશ લીગ સિઝન માટે મેલબોર્ન રેનેગેડ્સ અને સિડની સિક્સર્સ જેવી અનેક ફ્રેન્ચાઇઝીઓ સાથે લાંબી વાટાઘાટો કર્યા બાદ આખરે બેન સ્ટોક્સે એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે બેન સ્ટોક્સ આખી ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેવાનો છે. અગાઉ આ રેકોર્ડ બાબર આઝમના નામે હતો, જેને બીબીએલમાં ૪,૨૦,૦০০ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ રૂ. ૨.૮ કરોડ) ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ હવે સ્ટોક્સે આ આંકડો વટાવીને નવો ઇતિહાસ રચ્યો છે.
આ કરાર સાથે જ બેન સ્ટોક્સ પૂરા ૧૨ વર્ષ પછી બિગ બેશ લીગમાં પુનરાગમન કરી રહ્યો છે. તે છેલ્લે ૨૦૧૪/૧૫ની સિઝનમાં આ લીગમાં રમ્યો હતો. આ લાંબા સમયગાળા દરમિયાન તેણે બે શાનદાર વર્લ્ડ કપ જીત્યા છે, ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનું સફળ નેતૃત્વ કર્યું છે અને મર્યાદિત ઓવરોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. હાલમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ડરહામ (Durham) માટે રમી રહ્યો છે અને એડિલેડ ટીમ માટે આખી સિઝન રમવા તૈયાર છે.
જોકે, આ રેકોર્ડબ્રેક કરાર છતાં આઇપીએલ (IPL) અને અન્ય વિદેશી ટી૨૦ લીગ વચ્ચેના નાણાકીય તફાવતની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે. સ્ટોક્સને ભલે બીબીએલ ઇતિહાસની સૌથી મોટી રકમ મળી હોય, પરંતુ તે આઇપીએલની છેલ્લી હરાજીમાં તેને મળેલી રકમના ૨૫ ટકા જેટલી પણ નથી. સ્ટોક્સને છેલ્લે ૨૦૨૩ માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા અધધ... રૂ. ૧૬.૨૫ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જોકે, ઈજાના કારણે તે માત્ર બે જ મેચ રમી શક્યો હતો અને ત્યારબાદ તેણે પોતાના વર્કલોડ તથા ટેસ્ટ કારકિર્દી પર ધ્યાન આપવા માટે આઇપીએલથી દુરી બનાવી લીધી હતી.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
