News of Sunday, 8th November 2026
ઓસ્ટ્રેલિયાના બોલ ટેમ્પરિંગ કાંડમાં ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાનો ધડાકો : માત્ર ત્રણ ખેલાડીઓ નહીં, આખી ટીમ જવાબદાર હતી ! ૨૦૧૮માં કેપટાઉન ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેમેરોન બેનક્રોફ્ટ બોલ ઉપર સેન્ડપેપરનો ઉપયોગ કરતાં કેમેરામાં ઝડપાયા હતા: આ સેન્ડપેપર કાંડમાં સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટને જ સજા થઈ : આઠ વર્ષ બાદ આત્મકથામાં ચોંકાવનારા દાવા : ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અસંમત

સિડની, તા. ૮ : ઓસ્ટ્રેલિયન ક્રિકેટને હચમચાવી નાખનારા વર્ષ ૨૦૧૮ના કુખ્યાત બોલ ટેમ્પરિંગ કાંડને લઈને ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ સનસનાટીભર્યા દાવા કરતાં ક્રિકેટ જગતમાં ફરી વિવાદ સર્જાયો છે. ખ્વાજાએ પોતાની આત્મકથા 'સબ્ર'માં જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલ સાથે છેડછાડની ઘટનાની જવાબદારી માત્ર ત્રણ ખેલાડીઓની નહોતી, પરંતુ સમગ્ર ટીમની હતી.
વર્ષ ૨૦૧૮માં કેપટાઉન ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેમેરોન બેનક્રોફ્ટ બોલ ઉપર સેન્ડપેપરનો ઉપયોગ કરતાં કેમેરામાં ઝડપાયા હતા. ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ કરીને કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઉપકપ્તાન ડેવિડ વોર્નર ઉપર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે બેનક્રોફ્ટને નવ મહિનાની સજા થઈ હતી.
ખ્વાજાના જણાવ્યા પ્રમાણે કેપટાઉન ટેસ્ટ પહેલાં પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન પણ બોલ સાથે છેડછાડની રીત અપનાવવામાં આવી હતી. તેમણે દાવો કર્યો છે કે ટીમના સભ્યો આ બાબતથી વાકેફ હતા અને સમગ્ર ઘટનાની સામૂહિક જવાબદારી સ્વીકારવી જોઈતી હતી.
ખ્વાજાએ સોશિયલ મીડિયા ઉપર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમનો હેતુ કોઈ ખેલાડીને દોષિત ઠેરવવાનો નથી. સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટે સમગ્ર ટીમ વતી બદનામી અને સજા સહન કરી હતી. પોતે વર્ષ ૨૦૧૮માં જ હકીકત જાહેર કરવા માગતા હતા, પરંતુ સ્મિથે તેમને તેમ ન કરવા સમજાવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં પણ તેમણે આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની મૂળ તપાસનાં તારણો ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે સમયના કોચ ડેરેન લેહમેને પણ સમગ્ર ટીમને જાણ હોવાના દાવા સાથે અસંમતિ દર્શાવી છે. આમ આઠ વર્ષ જૂનો સેન્ડપેપર કાંડ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
