<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ચોગ્ગા... ચોગ્ગા... ને ચોગ્ગા! પ્રભસિમરન સિંહે મુકેશ કુમારની ઓવરમાં 6 બોલમાં ફટકાર્યા 6 ચોગ્ગા, દિલ્હીમાં સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ

IPLના ઈતિહાસમાં માત્ર ત્રીજી વખત બન્યું આવું પરાક્રમ; રહાણે અને પૃથ્વી શોની ક્લબમાં પંજાબના યુવા બેટ્સમેનની એન્ટ્રી, 18 બોલમાં ફિફ્ટી ફટકારી મચાવી તબાહી

નવી દિલ્હી: IPL 2026માં અત્યારે બેટ્સમેનો રનનો જે રીતે વરસાદ કરી રહ્યા છે તે જોઈને બોલરો લાચાર દેખાઈ રહ્યા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સના વિસ્ફોટક ઓપનર પ્રભસિમરન સિંહે કંઈક એવું કર્યું જે ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. દિલ્હી કેપિટલ્સના 264 રનના પહાડ જેવા સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ માટે પ્રભસિમરને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મુકેશ કુમારની એક જ ઓવરમાં તમામ છ બોલ પર છ ચોગ્ગા ફટકારીને સ્ટેડિયમમાં સન્નાટો ફેલાવી દીધો હતો.

મેચમાં પાવરપ્લે દરમિયાન પ્રભસિમરન સિંહનો આક્રમક અંદાજ જોવા જેવો હતો. મુકેશ કુમારની ઓવરમાં તેણે મેદાનની ચારેબાજુ શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. આ સાથે જ પ્રભસિમરન IPL ઈતિહાસમાં એક ઓવરમાં છ ચોગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ અગાઉ વર્ષ 2012માં અજિંક્ય રહાણે અને વર્ષ 2021માં પૃથ્વી શો આ અનોખો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. જોકે, પ્રભસિમરનની આ આક્રમકતા અહીં જ અટકી નહોતી, તેણે આગામી ઓવરના પ્રથમ બોલે પણ ચોગ્ગો ફટકારીને સતત સાત બોલમાં સાત ચોગ્ગા ફટકારવાનું કારનામું કર્યું હતું.

પાવરપ્લેમાં પંજાબની વિસ્ફોટક શરૂઆત:

વિશાળ લક્ષ્યાંક સામે પંજાબની જોડી પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ દિલ્હીના બોલરોની લાઇન અને લેન્થ બગાડી નાખી હતી. બંનેએ મળીને માત્ર છ ઓવરમાં જ 116 રન ઝુડી કાઢ્યા હતા. આ દરમિયાન ટીમનો રન રેટ 19 થી ઉપર રહ્યો હતો, જેણે દિલ્હી કેપિટલ્સને બેકફૂટ પર લાવી દીધું હતું. પ્રભસિમરને માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ તે પંજાબ કિંગ્સ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયો છે.

પંજાબ (PBKS) માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેનો:

યુવા બેટ્સમેનોનો આ દબદબો જોઈને સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. દિલ્હીના મેદાન પર પ્રભસિમરનની આ તોફાની ઇનિંગે IPL 2026ના રોમાંચને ચરમસીમા પર પહોંચાડી દીધો છે. પાવરપ્લેમાં પંજાબનો આ વળતો હુમલો દિલ્હી માટે ખતરાની ઘંટડી સમાન સાબિત થયો હતો.

(12:11 AM IST)