<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

જાપાનની એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટર અને પાકિસ્તાની ફેન વચ્ચે રમુજી ક્ષણ: "હું પાકિસ્તાનથી આવ્યો છું, અભિષેકને બોલાવો", સંજુ સેમસને આપ્યો દિલ જીતી લે તેવો જવાબ

જાપાન સામે ભારતની રોમાંચક જીત બાદ સૅમસનને મળવા પહોંચ્યો પાકિસ્તાની ફેન, સેમસને કહ્યું- "અભિષેક નાસ્તો કરે છે, પ્લીઝ થોડો સમય આપો"

સૅનો, તા.૨૪: વિશ્વના કોઈપણ ખૂણામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાતી હોય ત્યાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ અનોખો જ જોવા મળે છે. જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ દરમિયાન ભારત અને જાપાન વચ્ચેની ટી-૨૦ મેચ બાદ સ્ટેડિયમમાં એક અદ્ભુત અને હળવી ક્ષણ જોવા મળી હતી. ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમે જાપાન સામેની મેચ માત્ર ૨ રને રોમાંચક રીતે જીતી લીધા બાદ, પ્રેક્ષકો સાથે સંવાદ કરી રહેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સૅમસન પાસે એક પાકિસ્તાની ફેન આવી પહોંચ્યો હતો.

આ પાકિસ્તાની ચાહકે સૅમસન પાસે આવીને ઉત્સાહભેર કહ્યું કે, "હું પાકિસ્તાનથી ખાસ આ મેચ જોવા આવ્યો છું. આઈ લવ યુ, સંજુ!" સૅમસનના શાંત સ્વભાવ અને પર્ફોર્મન્સથી પ્રભાવિત થયેલા આ ફેને માત્ર આટલું જ નહીં, પરંતુ ભારતીય ઓપનર અભિષેક શર્માને પણ બોલાવવાની વિનંતી કરી દીધી હતી. તેણે સેમસનને કહ્યું કે, "પ્લીઝ, અભિષેકને પણ અહીં બોલાવો, હું તેને પણ મળવા માંગુ છું."

પાકિસ્તાની ચાહકની આ વિનંતી પર સંજુ સૅમસને અત્યંત નમ્રતા અને રમુજી અંદાજમાં જવાબ આપતાં કહ્યું કે, "અભિષેક અત્યારે નાસ્તો કરી રહ્યો છે. મેચ હજી હમણાં જ પૂરી થઈ છે, નાસ્તો પૂરો કરીને તે અહીં આવશે. પ્લીઝ, અમને થોડો સમય આપો." આ સાંભળીને ફેને કહ્યું કે તે રાહ જોવા તૈયાર છે. રમતગમત કેવી રીતે સરહદો ભૂલાવીને ખેલાડીઓ અને ચાહકોને એક તાંતણે બાંધે છે, તેનો આ કિસ્સો ઉત્તમ દાખલો બન્યો હતો.

(5:40 PM IST)