<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

લખનઉમાં ગિલ અને ઇશાનની વિસ્‍ફોટક સદી : ભારતે અફઘાનને ૧૭૦ રને કચડયું : સિરિઝ પર કબ્‍જો

ટીમ ઇન્‍ડિયાનો ૪૦ર રનનો પહાડ જેવો સ્‍કોર : અફઘાનિસ્‍તાન ર૩ર રનમાં ઓલઆઉટ : અર્શદીપ અને બ્રારની ત્રણ વિકેટ હવે અંતિમ

નવી દિલ્‍હી : ભારત અને અફઘાનિસ્‍તાન વચ્‍ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝના બીજા મુકાબલામાં ટીમ ઈન્‍ડિયાએ ૧૭૦ રનથી ભવ્‍ય જીત મેળવી છે. લખનઉના ક્રિકેટ સ્‍ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૪૯.૫ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૪૦૨ રનનો વિશાળ સ્‍કોર બનાવ્‍યો હતો. જવાબમાં આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્‍તાનની ટીમ ૪૪.૩ ઓવરમાં ૨૩૨ રન પર જ ઓલઆઈટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે સિરીઝમાં ૨-૦ ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને સિરીઝની આખરી મેચ ૨૦ જૂને ચેન્નઈના સ્‍ટેડિયમમાં રમાશે.

આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને યશસ્‍વી જાયસ્‍વાલ માત્ર ૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્‍યારપછી રોહિત શર્માએ ૪૮ રન બનાવીને શુભમન ગિલ સાથે ઈનિંગને આગળ વધારી હતી. રોહિતના આઉટ થયા બાદ ગિલ અને ઈશાન કિશને અફઘાનિસ્‍તાનના બોલરો પર આક્રમણ કર્યું હતું. ગિલે શાનદાર બેટિંગ કરતા ૩૮ બોલમાં અડધી સદી અને ૭૭ બોલમાં પોતાની વનડે કરિયરની ૯મી સદી પૂરી કરી હતી. ગિલે કુલ ૧૫૪ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ ઈશાન કિશને પણ તોફાની અંદાજમાં ૫૨ બોલમાં અડધી સદી અને ૭૧ બોલમાં પોતાની કરિયરની બીજી વનડે સદી ફટકારી હતી. ઈશાન કિશને ૭૯ બોલમાં ૧૪ ચોગ્‍ગા અને ૭ છગ્‍ગાની મદદથી ૧૨૫ રન બનાવ્‍યા હતા.

વિશાળ સ્‍કોરનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્‍તાનની ટીમે શરૂઆત સારી કરી હતી, પરંતુ વધતા રનરેટના દબાણ હેઠળ તેમની વિકેટો પડતી રહી હતી. અફઘાનિસ્‍તાન તરફથી રહેમત શાહે સૌથી વધુ ૭૯ રન ૮૯ બોલમાં ૮ ચોગ્‍ગાની મદદથી બનાવ્‍યા હતા. આ સિવાય સેદિકુલ્લાહ અટલે ૪૨ રન અને રહેમાનુલ્લાહ ગુરબાજે ૪૧ રનનું યોગદાન આપ્‍યું હતું. ભારત તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહ  અને ગુરનૂર બ્રારે ૩-૩ વિકેટ ઝડપી હતી. પ્રથમ મેચ રમી રહેલા પ્રિન્‍સ યાદવને ૨ સફળતા મળી હતી, જ્‍યારે વોશિંગ્‍ટન સુંદરે ૧ વિકેટ લીધી હતી.

(3:04 PM IST)