તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ક્રિકેટના 'ભગવાન' હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયા: સચિન તેંડુલકરે OpenAI સાથે કરી મોટી ભાગીદારી, AIની નવી શક્યતાઓ તપાસવા લોકોને કર્યા પ્રોત્સાહિત
ChatGPT સાથે હાથ મિલાવતાં 'માસ્ટર બ્લાસ્ટર': ફેમિલી ટ્રિપ પ્લાનિંગથી લઈ મનોરંજક ગેમ્સ સુધીની સફર સોશિયલ મીડિયા પર શેર કરી, વાયરલ વીડિયોમાં AI એ માત્ર ૧૦ પ્રશ્નોમાં સચિનને ઓળખી બતાવ્યા.

નવી દિલ્હી, તા.૨૮: વિશ્વ ક્રિકેટના મહાનતમ બેટ્સમેન અને 'માસ્ટર બ્લાસ્ટર' તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે ટેકનોલોજીની દુનિયામાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેમણે વિશ્વપ્રસિદ્ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રિસર્ચ ઓર્ગેનાઈઝેશન OpenAI સાથે પોતાની નવી અને રોમાંચક ભાગીદારીની જાહેરાત કરી છે. ક્રિકેટના મેદાન પર અનેક રેકોર્ડ સર્જનાર સચિને હવે ChatGPT નો ઉપયોગ કરીને ડિજિટલ જગતમાં નવી શક્યતાઓ શોધવા અને પોતાના દૈનિક જીવનના અનુભવો દેશ-વિદેશના લોકો સાથે વહેંચવા માટે આ ખાસ પહેલ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે વિગતો આપતાં સચિન તેંડુલકરે લખ્યું હતું કે, "હું હંમેશાંથી જિજ્ઞાસુ રહ્યો છું અને એક પ્રશ્ન હંમેશાં બીજા પ્રશ્ન તરફ દોરી જાય છે. ChatGPT એ મારી આ જિજ્ઞાસાને પ્રોત્સાહન આપ્યું છે. પરિવાર સાથેની મારી છેલ્લી ટ્રિપના આયોજનથી લઈને અસંખ્ય કામોમાં તે ખૂબ ઉપયોગી નીવડ્યું છે. OpenAI સાથેની આ ભાગીદારી દ્વારા હું એ જાણવા આતુર છું કે ChatGPT વડે બીજું શું નવું કરી શકાય અને વધુ ને વધુ લોકોને ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી શકાય."
જાહેરાતની સાથે સચિને એક ખૂબ જ રસપ્રદ વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેઓ ChatGPT સાથે એક રોમાંચક ગેમ રમતા જોવા મળે છે. સચિને ChatGPT ને પડકાર ફેંક્યો હતો કે તે માત્ર ૧૦ પ્રશ્નો પૂછીને ઓળખી બતાવે કે તેઓ કોણ છે. AI એ એક પછી એક તાર્કિક પ્રશ્નો પૂછીને બરાબર ૧૦મા પ્રશ્ન સુધીમાં સચિન તેંડુલકરનું નામ સાચું ઓળખી બતાવ્યું હતું, જે વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદીઓ અને ૩૪,૩૫૭ રનનો અકાટ્ય રેકોર્ડ ધરાવતા અને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' મેળવનાર સચિન તેંડુલકરની આ ભાગીદારી એવા સમયે આવી છે જ્યારે OpenAI વિવિધ ક્ષેત્રોમાં પોતાના વ્યાપ વધારી રહ્યું છે. ગ્લોબલ આઇકોન એવા સચિનના જોડાવાથી ભારતમાં AI ટેકનોલોજી પ્રત્યે લોકોની જાગૃતિ અને રસમાં મોટો ઉછાળો આવશે તે નક્કી છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
