<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

નોટિંગહામમાં મહાસંગ્રામ: શ્રેણી બચાવવા માટે ઇંગ્લેન્ડ સામે 'મેન ઇન બ્લુ' આરપારના જંગમાં ઉતરશે, ટ્રેન્ટ બ્રિજ પર રનનો વરસાદ થવાની આગાહી

ત્રીજી T20 મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યરની અગ્નિપરીક્ષા: પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારના સંકેત, વરસાદ વિઘ્ન બનશે કે કેમ તેના પર ચાહકોની નજર

નોટિંગહામ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની રોમાંચક T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો ત્રીજો મુકાબલો મંગળવારે નોટિંગહામના ઐતિહાસિક ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ, બીજી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી લીધી છે. હવે શ્રેણીમાં જીવંત રહેવા અને થ્રી લાયન્સ (ઇંગ્લેન્ડ) ને બરાબરની ટક્કર આપવા માટે ભારતીય ટીમ આ મેચમાં જીતના પાટા પર પરત ફરવા માટે આતુર છે.

કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર માટે આ પ્રવાસ અત્યાર સુધી ઘણો પડકારજનક રહ્યો છે અને છેલ્લી મેચોમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન પણ ભારે નિરાશાજનક રહ્યું હતું. જોકે, ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓ પર ભરોસો યથાવત રાખવા માંગે છે. ૧૫ વર્ષના યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે પ્રથમ મેચમાં કંઈ ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. આગામી મેચમાં પણ તે વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા સાથે ભારતીય ઇનિંગની શરૂઆત કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. બીજી તરફ, ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સ્પિનર રવિ બિશ્નોઈને આ મેચમાં આરામ આપીને ઓલરાઉન્ડર પ્રિન્સ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.

ક્રિકેટ ચાહકો માટે હવામાનને લઈને મિશ્ર સમાચાર છે. એક્યુવેધરના અહેવાલ મુજબ, મેચના દિવસે સવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજે ઠંડો પવન ફૂંકાશે. દિવસ દરમિયાન તાપમાન ૨૩°C થી ૨૫°C ની આસપાસ રહેશે અને વરસાદની ૧૫% થી ૧૬% શક્યતા છે, જે રમતને થોડી પ્રભાવિત કરી શકે છે. જોકે, સાંજ સુધીમાં તાપમાન ઘટીને ૧૭°C થઈ જશે અને વરસાદની શક્યતા માત્ર ૨% જેટલી જ રહેતા મેચ સંપૂર્ણ રમાવાની આશા છે.

ટ્રેન્ટ બ્રિજની પીચ હંમેશા બેટ્સમેનોની સ્વર્ગ માનવામાં આવે છે, જ્યાં રનનો મોટો ધસારો જોવા મળી શકે છે. આ પીચ પર સારો ઉછાળો (બાઉન્સ) મળતો હોવાથી બેટ્સમેનો મુક્તપણે શોટ્સ રમી શકશે. જોકે, હવામાનમાં વાદળો અને પવનની હાજરીને કારણે ઇંગ્લેન્ડ અને ભારતના ફાસ્ટ બોલરોને (સીમર્સ) શરૂઆતમાં થોડી મદદ મળી શકે છે, પરંતુ ઓવરઓલ આ એક હાઈ-સ્કોરિંગ મેચ બની રહેશે.

ભારતીય સમયાનુસાર, આ હાઈ-વોલ્ટેજ મેચ મંગળવારે રાત્રે ૧૦:૦૦ વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ રાત્રે ૦૯:૩૦ વાગ્યે ફેંકવામાં આવશે. ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ આ રોમાંચક મેચનું લાઈવ પ્રસારણ ટીવી પર 'સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક' (Star Sports) પર જોઈ શકશે. આ ઉપરાંત, જેઓ મોબાઈલ કે લેપટોપ પર મેચ માણવા માંગે છે, તેઓ 'JioHotstar' એપ અને વેબસાઇટ પર સક્રિય સબ્સ્ક્રિપ્શન સાથે લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશે.

(7:46 PM IST)