<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ન્યૂઝીલેન્ડમાં ભારતીય બેટ્સમેનોનો મહાવિસ્ફોટ : ૭૨૦ રનનો વિરાટ પહાડ ખડકીને નવો ઇતિહાસ રચ્યો

રિષભ પંતના ૧૨૮ અને રાહુલના ૧૩૬ રન, શુભમન ગિલ ૯૮ : ન્યૂઝીલેન્ડ બીજી ઇનિંગમાં ૧૧૯ રનમાં બે વિકેટે અટક્યું : ભારતને ઐતિહાસિક જીતની તક

વેલિંગ્ટન : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ રનનો વરસાદ વરસાવીને વિદેશી ધરતી ઉપર નવો ઇતિહાસ રચ્યો છે. ભારતે ૯ વિકેટે ૭૨૦ રનના જંગી સ્કોરે પ્રથમ ઇનિંગ જાહેર કરી હતી. ન્યૂઝીલેન્ડ ચોથા દિવસના અંતે બીજી ઇનિંગમાં બે વિકેટે ૧૧૯ રન બનાવી શક્યું હતું.

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન ઉપર રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોને સંપૂર્ણપણે થકવી નાખ્યા હતા. ભારતનો ૭૨૦ રનનો સ્કોર વિદેશની ધરતી ઉપર ટેસ્ટ ક્રિકેટમાં તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર બન્યો છે. ભારતની ઇનિંગમાં લોકેશ રાહુલે ૧૩૬, રિષભ પંતે ૧૨૮ અને શુભમન ગિલે ૯૮ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. યશસ્વી જયસ્વાલે ૮૫ અને દેવદત્ત પડિક્કલે ૮૦ રન નોંધાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં ૩૬૮ રન નોંધાવ્યા હોવાથી ભારતને ૩૫૨ રનની જંગી સરસાઈ મળી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે ૪૫ ઓવરમાં બે વિકેટે ૧૧૯ રન બનાવ્યા હતા.

ડેવોન કોનવે ૫૯ અને રચિન રવીન્દ્ર ૨૭ રને અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ હજી ભારતની સરસાઈથી ૨૩૩ રન પાછળ છે. ભારત પાસે મેચના પાંચમા અને અંતિમ દિવસે બાકીની આઠ વિકેટ ઝડપીને વિજય મેળવવાની તક છે. 

(5:59 PM IST)