<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓપનર સાઈ સુદર્શને 50 મેચોમાં 2178 રન પૂરા કરીને ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

પંજાબ કિંગ્સ સામેની મેચમાં સાઈની અર્ધસદી અને વોશિંગ્ટન સુંદરની બેટિંગના જોરે ગુજરાતે 4 વિકેટે જીત મેળવી :આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ હવે પ્લેઓફની રેસમાં વધુ મજબૂત બન્યું

આઈપીએલ 2026 (IPL 2026) હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 4 વિકેટે પરાજય આપીને પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. આ જીતની સાથે જ ગુજરાતના ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને ક્રિકેટ જગતમાં એક મોટો ધમાકો કર્યો છે.

 

માત્ર 24 વર્ષના સાઈ સુદર્શને પોતાની 50મી આઈપીએલ મેચ દરમિયાન દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધી ક્રિસ ગેલના નામે હતો, જેણે 2061 રન બનાવ્યા હતા. જોકે, સાઈ સુદર્શને હવે 2178 રન બનાવીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. આ યાદીમાં મિચેલ માર્શ 1933 રન સાથે ત્રીજા સ્થાને છે.

ટોસ જીતીને ગુજરાતે પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના બોલરો સામે પંજાબના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને નિર્ધારિત 20 ઓવરમાં 163/9 રન જ બનાવી શક્યા હતા. 164 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ તરફથી સાઈ સુદર્શને 41 બોલમાં 57 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં વોશિંગ્ટન સુંદરે અણનમ 40 રન ફટકારીને એક બોલ બાકી રહેતા ટીમને છઠ્ઠી જીત અપાવી હતી. આ શાનદાર દેખાવ સાથે ગુજરાત ટાઇટન્સ હવે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે.

(7:39 PM IST)