તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 6th July 2026
ગુર્નૂર બ્રારનો તરખાટ: ગાલે ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપી ભારત 'એ' ને અપાવી ઐતિહાસિક જીત, શ્રીલંકાની ધરતી પર શ્રેણી પર જમાવ્યો કબ્જો
પ્રથમ મેચ ડ્રો રહ્યા બાદ બીજી ટેસ્ટમાં ભારતીય સિંહોએ શ્રીલંકા 'એ' ને ૧૦ વિકેટે કચડી નાખ્યું: સાઈ સુદર્શન અને ગુર્નૂર જીતના હીરો બન્યા

ગાલે : શ્રીલંકાની ધરતી પર ભારતીય યુવા બ્રિગેડે ઈતિહાસ રચી દીધો છે. પેસર ગુર્નૂર બ્રારની ઘાતક બોલિંગના જોરે ભારત 'એ' ટીમે રવિવારે ગાલે ખાતે રમાયેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચના અંતિમ દિવસે શ્રીલંકા 'એ' ને ૧૦ વિકેટે સજ્જડ પરાજય આપ્યો છે. આ શાનદાર અને ધમાકેદાર જીતની સાથે જ ભારતે બે મેચોની આ શ્રેણી ૧-૦ થી પોતાના નામે કરી લીધી છે, જ્યારે શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી.
ચોથા દિવસની રમત રોમાંચક વળાંક સાથે શરૂ થઈ હતી. ભારત 'એ' ટીમે પોતાની પ્રથમ ઇનિંગ ૫૪૧/૮ ના સ્કોરથી આગળ ધપાવી હતી, પરંતુ યશ ઠાકુર આઉટ થતાં જ ભારતે ૫૪૩ રન પર ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. સરંશ જૈન ૭૦ રને અણનમ રહ્યો હતો, જ્યારે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ બીજા દિવસે ઇજાગ્રસ્ત (રિટાયર્ડ હર્ટ) થયા બાદ ફરી બેટિંગ કરવા મેદાનમાં ઉતરી શક્યા નહોતા. પ્રથમ ઇનિંગના આધારે ભારતને ૧૭૭ રનની મજબૂત લીડ મળી હતી.
ત્યારબાદ શરૂ થયો ગુર્નૂર બ્રારનો અસલી ક્લાસ! શ્રીલંકાની બીજી ઇનિંગની શરૂઆતમાં જ ગુર્નૂરે પોતાની પ્રથમ ત્રણ ઓવરમાં જ સોહન ડી લિવેરા અને નુવાનિદુ ફર્નાન્ડોને પેવેલિયન ભેગા કરી યજમાન ટીમને જોરદાર ઝટકા આપ્યા હતા. ઓકિબ નબીએ પણ પવનથ વીરાસિંઘેની વિકેટ ઝડપતા શ્રીલંકાનો સ્કોર માત્ર ૯ રનમાં ૩ વિકેટ થઈ ગયો હતો અને લંકાની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી.
જોકે, શ્રીલંકાના એશેન બંદારાએ વળતો હુમલો કરતા માત્ર ૪૭ બોલમાં તોફાની અડધી સદી ફટકારી દીધી હતી. તેણે કેપ્ટન સહાન અરાચીગે સાથે મળીને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ યશ ઠાકુરે અરાચીગેને આઉટ કરીને આ ભાગીદારી તોડી પાડી હતી. બંદારાએ લંચ સુધી ટીમનો સ્કોર ૧૧૫/૪ સુધી પહોંચાડ્યો હતો.
લંચ પછી ગુર્નૂર બ્રાર ફરી એકવાર કાળ બનીને ત્રાટક્યો હતો. તેણે સેટ થઈ ચૂકેલા એશેન બંદારા (૮૭ રન) અને અંજલા બંદારાને ઝડપથી આઉટ કરીને શ્રીલંકાની કમર તોડી નાખી હતી. શ્રીલંકાની લોઅર ઓર્ડર બેટિંગે થોડી લડત આપીને ભારતની લીડ તો પાર કરી લીધી, પરંતુ ગુર્નૂરે દિલુમ સુદીરા અને દુલાજ સમુદિતાને આઉટ કરીને પોતાની પાંચમી અને છઠ્ઠી વિકેટ ઝડપી લીધી હતી. ગુર્નૂરે મેચમાં કુલ ૧૪૫ રન આપીને ૧૦ વિકેટ ઝડપવાની અદ્ભુત સિદ્ધિ મેળવી હતી. શ્રીલંકાની આખી ટીમ બીજી ઇનિંગમાં ૨૦૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત 'એ' ટીમને જીતવા માટે માત્ર ૩૩ રનનો મામૂલી ટાર્ગેટ મળ્યો હતો, જેને ભારતીય ઓપનર્સે ચા પીધા પછી માત્ર ૫.૨ ઓવરમાં જ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના હાસિલ કરી લીધો હતો. આખી શ્રેણીમાં શાનદાર ફોર્મમાં રહેલા સાઈ સુદર્શને ૨૨ બોલમાં ૨૫ રનની અણનમ ઇનિંગ રમી ચોગ્ગા સાથે ભારતને વિજય અપાવ્યો હતો, જ્યારે વિદર્ભનો અમન મોખાડે ૧૧ રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ જીત સાથે ભારત 'એ' ટીમનો શ્રીલંકા પ્રવાસ અત્યંત સફળ રહ્યો છે. આ અગાઉ ભારતીય ટીમે અફઘાનિસ્તાન 'એ' સહિતની વન-ડે ત્રિકોણીય શ્રેણી પણ પોતાના નામે કરી હતી.
સંક્ષિપ્ત સ્કોરબોર્ડ:
· શ્રીલંકા 'એ': ૩૬૬ અને ૨૦૯ (એશેન બંદારા ૮૭; ગુર્નૂર બ્રાર ૬-૬૮, સરંશ જૈન ૨-૬૬)
· ભારત 'એ': ૫૪૩/૯ ડિકલેર (સાઈ સુદર્શન ૧૬૮, દેવદત્ત પડિક્કલ ૯૪; કેશરા નુવંથા ૫-૧૫૯) અને ૩૬/૦ (સાઈ સુદર્શન ૨૫*, અમન મોખાડે ૧૧*)
· પરિણામ: ભારત 'એ' ટીમ ૧૦ વિકેટે વિજેતા.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
