<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

શું મિશેલ સેન્ટનરે કરી દીધો મોટો સંકેત, શું રોહિત શર્મા બનશે ફરીથી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રદ્દ થયેલી મેચ બાદ વાયરલ થયેલા વીડિયોમાં મિશેલ સેન્ટનરે રોહિત શર્માને કેપ્ટન કહીને સંબોધતા આઈપીએલ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.

મુંબઈ : ક્રિકેટ જગતમાં સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થયા બાદ ડગઆઉટમાં બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા અને પરંપરાગત રીતે હાથ મિલાવી રહ્યા હતા. તે જ સમયે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર અને રોહિત શર્મા વચ્ચે થયેલી એક નાની વાતચીતે સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે રોહિત શર્મા મિશેલ સેન્ટનરની નજીક ગયા, ત્યારે તેમણે મિત્રતાપૂર્ણ અંદાજમાં મિચ્છી કહીને બોલાવ્યા અને હાથ લંબાવ્યો. તેના જવાબમાં મિશેલ સેન્ટનરે ઉત્સાહપૂર્વક હેલો સ્કીપર એટલે કે હેલો કેપ્ટન કહ્યું. આ નાના સંબોધને સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈને યુઝર્સને વિચારતા કરી દીધા છે કે શું ન્યૂઝીલેન્ડના ખેલાડીએ રોહિતના મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે પરત ફરવાનો કોઈ ઈશારો કર્યો છે.

આ બંને ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો ભાગ છે, જેના કારણે આ વાતચીતને લઈને અટકળો વધુ તેજ બની ગઈ છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા ટ્રેડ વિન્ડો દ્વારા પંજાબ કિંગ્સમાં જોડાઈ શકે છે. જો આવું થાય છે, તો ચાહકો માની રહ્યા છે કે રોહિત શર્મા પાંચ વખતની ચેમ્પિયન ટીમનું નેતૃત્વ સંભાળવા માટે ફરીથી પરત ફરી શકે છે.

અગાઉ રોહિત શર્માના નેતૃત્વમાં જ મુંબઈ ઇન્ડિયન્સે પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. જો કે, વર્ષ 2024ની સિઝન પહેલા ફ્રેન્ચાઈઝીએ કેપ્ટનશીપ બદલીને હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપી હતી. પરંતુ ટીમનું પ્રદર્શન અને સંક્રમણ કાળ સરળ રહ્યો ન હતો, જેના કારણે ટીમની આગેવાનીને લઈને સવાલો સતત ઉભા થઈ રહ્યા છે.

હજી સુધી ન તો ખેલાડીઓ અને ન તો ફ્રેન્ચાઈઝી દ્વારા આગામી નેતૃત્વને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ મિશેલ સેન્ટનરનું આ સંબોધન સોશિયલ મીડિયા પર ચર્ચાનો મોટો વિષય બની ગયું છે અને આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થઈ શકે છે.

(6:46 PM IST)