News of Tuesday, 8th September 2026
દુબઈમાં ફરી જામશે હાઇ-વોલ્ટેજ જંગ: વિમેન્સ T20 એશિયા કપની ફાઇનલમાં ફરી સામસામે ટકરાઈ શકે છે ભારત અને પાકિસ્તાન!
હોંગકોંગને ૭૨ રને ધૂળ ચાટતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ્યું; સાત રનમાં ૬ વિકેટ ઝડપી નશરા સંધુએ મચાવી સનસનાટી, ૧૩ સપ્ટેમ્બરે મહા મુકાબલાની શક્યતા.

દુબઈ, તા. ૦8: મહિલા ટી-૨૦ એશિયા કપમાં ક્રિકેટ રસિકો માટે એક અત્યંત રોમાંચક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમના હાથે ગયા અઠવાડિયે માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈને શરમજનક હાર ભોગવનાર પાકિસ્તાની ટીમ ફરી એકવાર ફાઇનલમાં ભારત સાથે સીંગડા ભિડાવવા તરફ આગળ વધી રહી છે. દુબઈના મેદાન પર રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં હરમને ભારતને અગાઉથી જ સેમિફાઇનલમાં પહોંચાડી દીધું હતું, જ્યારે સોમવારે પાકિસ્તાને હોંગકોંગને એકતરફી મુકાબલામાં હરાવીને સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. જો આ બંને કટ્ટર હરીફ ટીમો પોતપોતાની સેમિફાઇનલ મેચ જીતવામાં સફળ રહેશે, તો રવિવાર, ૧૩ સપ્ટેમ્બરે રાત્રે ૮:૦૦ વાગ્યાથી ફાઇનલમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાનની ધમાકેદાર ટક્કર જોવા મળશે.
સોમવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને ઓપનર શવાલ ઝુલ્ફીકારના ૪૭ રનની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૩ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ૧૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની ટીમને પાકિસ્તાની બોલરોએ મેદાન પર ટકવા દીધી નહોતી. ખાસ કરીને પાકિસ્તાનની લેફ્ટ-આર્મ સ્પિનર નશરા સંધુએ કાતિલ બોલિંગ સ્પેલ ફેંકીને હોંગકોંગના બેટિંગ લાઇન-અપના ધજાગરા ઉડાવી દીધા હતા. સંધુએ માત્ર ૭ રન આપીને ૬ વિકેટ ઝડપતાં હોંગકોંગની આખી ટીમ ૭૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નશરા સંધુને આ શાનદાર પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.
હવે ટૂર્નામેન્ટનું સમીકરણ અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી ગયું છે. સેમિફાઇનલ રેસમાં પાકિસ્તાનનો સામનો મજબૂત શ્રીલંકન ટીમ સામે થશે, જ્યારે ભારતીય ટીમનો સેમિફાઇનલ મુકાબલો કોની સામે થશે તેનો નિર્ણય બાંગ્લાદેશ અને યુએઈ વચ્ચેની અંતિમ લીગ મેચના પરિણામ પરથી નક્કી થશે. દુબઈના ક્રિકેટ ફેન્સ હવે ૧૩ સપ્ટેમ્બરની એશિયા કપ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર હાઇ-વોલ્ટેજ રોમાંચ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
