News of Thursday, 18th June 2026
ફિફા વર્લ્ડ કપ 2026માં કોંગો માટે 52 વર્ષ બાદ ઐતિહાસિક ક્ષણ: જાણો કોણ છે એસિડ અટેક સર્વાઇવર યોઆને વિસ્સા કે જેણે રચ્યો ઇતિહાસ !
એસિડ હુમલા જેવી ભયાનક ઘટનામાંથી બહાર આવીને વર્લ્ડ કપમાં દેશ માટે ઐતિહાસિક ગોલ કરવો એ તેમની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ

ફૂટબોલની દુનિયામાં કેટલીક કહાનીઓ માત્ર રમત સુધી મર્યાદિત રહેતી નથીપરંતુ લાખો લોકો માટે પ્રેરણાનું પ્રતિક બની જાય છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સ્ટાર ફોરવર્ડ Yoane Wissaની સફર પણ એવી જ છે. ફિફા વર્લ્ડ કપ 2026માં કોંગોની ટીમ 52 વર્ષ બાદ વિશ્વના સૌથી મોટા મંચ પર પરત ફરી હતી. પ્રથમ જ મેચમાં તેની સામે મજબૂત Portugalની ટીમ હતી. શરૂઆતમાં ગોલ મિસ કર્યા બાદ પણ કોંગોએ હાર માની નહીં અને હાફ ટાઇમ પહેલાં યોઆને વિસ્સાએ શાનદાર હેડર દ્વારા ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો. આ ગોલ કોંગોના વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ ગોલ બન્યો અને દેશ માટે તે ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ.
આજનો સફળ ખેલાડી બનતા પહેલાં યોઆને વિસ્સાએ જીવનનો સૌથી મુશ્કેલ સમય પણ જોયો હતો. વર્ષ 2021માં તેઓ ફ્રાન્સની ક્લબ FC Lorient માટે રમતા હતા ત્યારે તેમના ઘરે એક અજાણી મહિલા પહોંચી હતી. ઓટોગ્રાફ લેવાના બહાને ઘરમાં પ્રવેશ્યા બાદ તેણે તેમના ચહેરા પર એસિડ ફેંક્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ હુમલામાં તેમની આંખોને ગંભીર નુકસાન થયું હતું અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાએ માત્ર તેમની કારકિર્દી જ નહીં પરંતુ સમગ્ર પરિવારને ભારે આઘાતમાં મૂકી દીધો હતો.
હુમલા બાદ યોઆને વિસ્સાને બંને આંખોની જટિલ સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. ડોક્ટરો અને પરિવારના સહયોગથી તેમણે ધીમે ધીમે દ્રષ્ટિ પાછી મેળવી. લગભગ છ મહિનાની લાંબી સારવાર અને પુનર્વસન બાદ તેઓ ફરી મેદાનમાં પરત ફર્યા. ઘણા ખેલાડીઓ આવી ઘટનાથી કારકિર્દી છોડવાનું પસંદ કરે, પરંતુ વિસ્સાએ પોતાની ઇચ્છાશક્તિ અને મહેનતથી મુશ્કેલીઓ પર જીત મેળવી. આ જ કારણ છે કે આજે તેમની કહાની રમતગમતની દુનિયામાં સંઘર્ષ અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે.
યોઆને વિસ્સાએ પોતાની ક્લબ કારકિર્દીમાં સતત પ્રગતિ કરી છે. Brentford FC માટે રમતા તેમણે અનેક મહત્વપૂર્ણ ગોલ કર્યા અને પોતાની અલગ ઓળખ ઉભી કરી. ત્યારબાદ તેઓ Newcastle United FC સાથે જોડાયા, જ્યાં તેમણે વધુ સફળતા મેળવી. એસિડ હુમલા જેવી ભયાનક ઘટનામાંથી બહાર આવીને વર્લ્ડ કપમાં દેશ માટે ઐતિહાસિક ગોલ કરવો એ તેમની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણાય છે. આજે યોઆને વિસ્સાની કહાની માત્ર ફૂટબોલ પ્રેમીઓ માટે જ નહીં, પરંતુ જીવનમાં પડકારો સામે લડતા દરેક વ્યક્તિ માટે પ્રેરણાનું ઉદાહરણ બની ગઈ છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
