<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ભારત-જાપાન સંબંધોના ૭૫ વર્ષ નિમિત્તે ઐતિહાસિક ક્ષણ: ૨૨મી સપ્ટેમ્બરે જાપાનમાં રમાશે ભારત સામેની પ્રથમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, પીએમ મોદીની 'સ્પોર્ટ ૭૫' પહેલ હેઠળ આયોજન!

શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારતીય ટીમ સાનો ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતરશે: એશિયન ગેમ્સ પહેલા રમાનારી મેચથી ઈસ્ટ એશિયામાં ક્રિકેટનો નવો અધ્યાય શરૂ થશે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને જાપાન ક્રિકેટ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૨મી સપ્ટેમ્બરે ભારત અને જાપાન વચ્ચે પ્રથમ ઐતિહાસિક ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવશે. જાપાનમાં ક્રિકેટના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની શરૂઆત માટે આ મેચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

સવારે ૯:૩૦ વાગ્યાથી ટૉચિગીમાં જામશે જંગ:

૧૯મી સપ્ટેમ્બરથી જાપાનમાં એશિયન ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ૨૮ સપ્ટેમ્બરે છે, જ્યારે જાપાન ૨૪ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમનાર છે. પરંતુ તે પહેલાં એટલે કે ૨૨મી સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ જાપાનના ટૉચિગી પ્રીફેચર સ્થિત સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને જાપાન વચ્ચે આ મેચ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થશે.

ટીમનું નેતૃત્વ અને 'સ્પોર્ટ ૭૫' પહેલ:

ભારતીય ટી-૨૦ ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે અને તિલક વર્મા વાઈસ કેપ્ટન રહેશે. આ ટીમમાં યંગ સ્ટાર વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસન પણ સામેલ છે, જ્યારે જાપાનની ટીમનું સુકાન કેન્ડેલ કાદોવાકી-ફ્લેમિંગ સંભાળશે.

ભારત અને જાપાન વચ્ચેના ગાઢ રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઈચી વચ્ચે થયેલી મંત્રણા બાદ 'સ્પોર્ટ ૭૫' પહેલ હેઠળ આ મેચ યોજાઈ રહી છે. BCCI સેક્રેટરી દેવાજિત સૈકિયાએ જણાવ્યું હતું કે આ મેચથી પૂર્વ એશિયાઈ દેશોમાં ક્રિકેટનો પ્રચાર-પ્રસાર વધશે અને ૨૦૩૬ ઓલિમ્પિક્સના સપના તરફ બંને દેશોના ખેલ સંબંધો વધુ મજબૂત બનશે.

(8:13 PM IST)