News of Monday, 29th June 2026
લોસ એન્જલસ ઓલિમ્પિક્સ ૨૦૨૮માં કેવી રીતે એન્ટ્રી મેળવશે ભારત?: ICCએ જાહેર કર્યો રોડમેપ, ક્રિકેટના મહાકુંભ માટે માત્ર ૬ ટીમો વચ્ચે જામશે જંગ
મહિલા ટીમ ઇન્ડિયાએ ઓલિમ્પિક ટિકિટ કરી કન્ફર્મ, પુરુષોની ટીમ માટે રેન્કિંગ બનશે આધાર: વેસ્ટ ઈન્ડિઝ માટે સ્પેશિયલ કાયદો અને અમેરિકાના યજમાન પદ વચ્ચે સમજો ક્વોલિફિકેશનનું આખું ગણિત

મુંબઈ : ૧૨૦ વર્ષથી વધુ લાંબા સમય બાદ ક્રિકેટ સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૮ (LA28) માં પુનરાગમન કરવા માટે સજ્જ છે. આ ઐતિહાસિક પળ માટે દુનિયાભરના ક્રિકેટ ચાહકો આતુર છે, ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓલિમ્પિક ક્વોલિફિકેશન પાથવે એટલે કે લાયકાત મેળવવાનો સત્તાવાર રોડમેપ જાહેર કરી દીધો છે. ઓલિમ્પિકના મેદાન પર પુરુષો અને મહિલાઓની માત્ર ૬-૬ ટીમો જ સુવર્ણ ચંદ્રક જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ ૬ સ્થાનોમાંથી ૫ સ્થાનો આઈસીસી રેન્કિંગ અને ચાલુ ટૂર્નામેન્ટોના આધારે નક્કી થશે, જ્યારે છેલ્લી એક ટિકિટ ૨૦૨૭ માં યોજાનારી સ્પેશિયલ ક્વોલિફાયર મેચ દ્વારા નક્કી કરવામાં આવશે.
ભારતીય મહિલા બ્રિગેડની એન્ટ્રી પાકી, પુરુષોની ટીમ રેન્કિંગ પર નિર્ભર
મહિલા ક્રિકેટરો માટે ઓલિમ્પિકની સફર આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ના માધ્યમથી શરૂ થઈ ચૂકી છે. ભારતીય મહિલા ટીમ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) અને દક્ષિણ આફ્રિકાએ પોતપોતાના ખંડ (એશિયા, ઓશેનિયા, યુરોપ અને આફ્રિકા) માંથી સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઓલિમ્પિક ક્વોલિફિકેશન મેળવી લીધું છે.
બીજી તરફ, પુરુષોની ટીમ માટે આગામી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીનું ICC T20I રેન્કિંગ મહત્વનું સાબિત થશે. એશિયા, આફ્રિકા, યુરોપ અને ઓશેનિયા ખંડની સર્વોચ્ચ ક્રમાંકિત ટીમો જો આ તારીખ સુધીમાં ટોપ-૧૫ રેન્કિંગમાં હશે, તો તેમને ઓલિમ્પિકનો ડાયરેક્ટ પાસ મળી જશે. યજમાન તરીકે અમેરિકા (USA) ની ટીમ પણ જો ટોપ-૧૫ માં સ્થાન જાળવી રાખશે તો જ તેને સીધી એન્ટ્રી મળશે, અન્યથા તે સ્થાન અન્ય ખંડની હાઈએસ્ટ રેન્કિંગ ટીમને ટ્રાન્સફર કરી દેવાશે.
૨૦૨૭ માં રમાશે કરો યા મરોનો આખરી જંગ: વેસ્ટ ઈન્ડિઝ માટે અનોખો નિયમ
પુરુષ અને મહિલા બંને વર્ગમાં ૬ઠ્ઠું અને છેલ્લું સ્થાન નક્કી કરવા માટે વર્ષ ૨૦૨૭ માં પ્રથમ વખત 'ICC ઓલિમ્પિક્સ ક્વોલિફાયર' ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ખાસ ટૂર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લેશે. અગાઉ ક્વોલિફાય થયેલા દેશો સિવાયની બાકીની ૭ ટીમોને તેમના આઈસીસી T20 રેન્કિંગના આધારે આ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળશે અને વિજેતા ટીમ ઓલિમ્પિકની આખરી ટિકિટ મેળવશે.
આ સમગ્ર પ્રક્રિયામાં કેરેબિયન દેશો એટલે કે વેસ્ટ ઈન્ડિઝ માટે આઈસીસીએ એક અલગ નિયમ બનાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ આઈસીસીની મેચોમાં સંયુક્ત ટીમ તરીકે રમે છે, પરંતુ ઓલિમ્પિક સમિતિ (IOC) માં તેને અલગ દેશ તરીકે માન્યતા નથી. તેથી, જો વેસ્ટ ઈન્ડિઝ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં ક્વોલિફાય થનારી ટોચની ૮ ટીમોમાં સ્થાન મેળવશે, તો આઈસીસી દ્વારા એક સ્પેશિયલ 'કેરેબિયન ક્વોલિફાયર' યોજાશે, જેથી નક્કી થઈ શકે કે કયો કેરેબિયન દેશ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં વેસ્ટ ઈન્ડિઝના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે.
ઓલિમ્પિકમાં કેવી રીતે રમાશે મેચો અને ટીમનું માળખું?
લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટ ફોર્મેટ ઘણું રોમાંચક રહેવાનું છે. કુલ ૬ ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન અને વિશિષ્ટ ગ્રૂપ સ્ટેજ હેઠળ મેચો રમાશે, જેમાં દરેક ટીમને પોતાની ક્ષમતા બતાવવાની પૂરતી તક મળશે. ટૂર્નામેન્ટના અંતે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી પ્રથમ બે ટીમો વચ્ચે ગોલ્ડ (સુવર્ણ) અને સિલ્વર (રજત) મેડલ માટે ફાઈનલ જંગ જામશે. જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમો બ્રોન્ઝ (કાંસ્ય) મેડલ માટે આમને-સામને ટકરાશે. આ વૈશ્વિક રમત મહોત્સવ માટે ક્વોલિફાય થનાર દરેક દેશને પોતાની ૧૫ સભ્યોની મજબૂત સ્ક્વોડ (ટીમ) પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
