<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ખેલ જગતમાં ભારે શોક, માત્ર ૨૧ વર્ષની ઉંમરે આશાસ્પદ ફૂટબોલર જિંદગીની જંગ હાર્યો: ફ્રાન્સમાં નદીના જોરદાર પ્રવાહમાં ડૂબી જતાં લિયોનના સ્ટાર ખેલાડી કેન્ઝો કીઝને ડોક્ટરોએ ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યો!

ધોધ નજીક ન્હાવા પડેલા ૪ મિત્રો શક્તિશાળી કરંટમાં ફસાયા; ડાઇવર્સે ભારે જહેમત બાદ કેન્ઝોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું

પેરિસ :   ફ્રેન્ચ ફૂટબોલ સમુદાય અને વિશ્વભરના રમતપ્રેમીઓ માટે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સના લિયોન શહેરની નજીક આવેલી રોન નદીમાં ડૂબી જવાની એક ભયાનક દુર્ઘટના બાદ ૨૧ વર્ષીય સ્ટાર ફ્રેન્ચ ફૂટબોલર કેન્ઝો કીઝ (Kenzo Kies) ને ડોક્ટરોએ ‘બ્રેઈન ડેડ’ જાહેર કરી દીધો છે. સોમવારે બચાવ ટુકડી (Rescue Team) દ્વારા કલાકોની જહેમત બાદ આ યુવાન વિંગરને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તમામ મેડિકલ સ્ટાફના અથાગ પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો નથી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કરુણ ઘટના લિયોનની પૂર્વ દિશામાં આવેલા પ્રખ્યાત ફેસીન ધોધ નજીક બની હતી. સાંજે આશરે ૫:૩૦ વાગ્યે કેન્ઝો કીઝ તેના મિત્રો સાથે ત્યાં ગયો હતો, જ્યાં નદીના અચાનક વધેલા અત્યંત શક્તિશાળી અને જોખમી પ્રવાહમાં ચાર લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ કટોકટી સેવાઓ (Emergency Services) ને તુરંત જાણ કરી હતી. બચાવ કામગીરી ખૂબ જ ઝડપથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે શરૂઆતમાં ફૂટબોલર કેન્ઝોની કોઈ ભાળ મળી શકી નહોતી.

૪ મિત્રોમાંથી ૨ સહી-સલામત, કેન્ઝો ઝિંદગીની મેચ હાર્યો

નદીમાં ઉતરેલા ખાસ ડાઇવર્સે (મરજીવા) ભારે શોધખોળ બાદ આખરે આ યુવાન ફૂટબોલરને નદીના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જતાં પહેલાં જ ઘટનાસ્થળે સીપીઆર (CPR) આપીને પુનર્જીવિત કરવાના તમામ પ્રયાસો કરાયા હતા. જોકે, મગજમાં લાંબા સમય સુધી ઓક્સિજન ન પહોંચવાને કારણે હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને ઓફિશિયલી ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યો છે. અહેવાલો મુજબ, પ્રવાહમાં ફસાયેલા અન્ય ચાર વ્યક્તિઓમાંથી બે મિત્રોને કોઈ મોટી ઈજા વિના બચાવી લેવાયા છે, જ્યારે ત્રીજા મિત્રને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

કોણ હતો કેન્ઝો કીઝ? ફ્રેન્ચ ફૂટબોલનો ઉગતો સિતારો

કેન્ઝો કીઝ ફ્રાન્સના ફૂટબોલ જગતમાં એક અત્યંત પ્રતિભાશાળી અને આશાસ્પદ યુવાન વિંગર તરીકે જાણીતો હતો. તેણે વર્ષ ૨૦૧૦ માં માત્ર એક બાળકની ઉંમરે પ્રખ્યાત લિયોન (Lyon) ફૂટબોલ ક્લબ જોઈન કરી હતી. આશરે ૮ વર્ષ સુધી તેણે ક્લબની એકેડેમી સિસ્ટમમાં રહીને પોતાની રમતને ધારદાર બનાવી અને લિયોનની યુવા તેમજ રિઝર્વ બંને ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

લિયોન ક્લબ છોડ્યા બાદ તે સેન્ટ-એટીએન ક્લબમાં જોડાયો હતો, જ્યાં ગયા ઉનાળામાં તેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો. ત્યારબાદ ફ્રેન્ચ ફૂટબોલના ટોચના સ્તર (Ligue 2) પર પહોંચવાના ઈરાદા સાથે તેણે તાજેતરમાં જ ‘En Avant Guingamp’ ની રિઝર્વ ટીમ સાથે નવો કરાર કર્યો હતો. માત્ર ૨૧ વર્ષની ઉંમરે, જ્યારે તેની કારકિર્દી સુવર્ણ કાળ તરફ આગળ વધી રહી હતી, ત્યારે જ સર્જાયેલા આ અકસ્માતે સમગ્ર ફ્રાન્સને હચમચાવી દીધું છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ તેમજ દિગ્ગજ ખેલાડીઓ તેને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

(8:25 PM IST)