<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

"હું કોઈ મશીન કે રૉબો નથી, મને પણ દર્દ અને દુઃખ થાય છે...": ટીકાકારો પર ભારતીય ક્રિકેટર સંજુ સૅમસનનું છલકાયું દર્દ, ટીમમાં સ્પર્ધા અને સિલેક્શનના દબાણ પર ખુલીને કરી વાત!

અફઘાનિસ્તાન સામે શાનદાર અર્ધશતક ફટકાર્યા બાદ સંજુ સૅમસને કરીઅરના સંઘર્ષ, સોશિયલ મીડિયાની નકારાત્મક ટિપ્પણીઓ અને 15 વર્ષના વૈભવ સૂર્યવંશી સાથેની હરીફાઈ અંગે આપ્યા દિલ ખોલીને જવાબો.

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બૅટ્સમેન સંજુ સૅમસન પોતાની કરીઅરમાં વારંવાર થતી ટીકાઓ અને બહારના અવાજોથી હવે ટેવાઈ ગયો છે, પરંતુ તેણે સ્વીકાર્યું છે કે ખેલાડીઓ પણ લોહી-માંસના માનવી છે અને તેમને પણ દુઃખ થતું હોય છે. અફઘાનિસ્તાન સામેની બીજી ટી-20 મૅચમાં માત્ર 22 બૉલમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી ધમાકેદાર 57 રન ફટકારીને ભારતને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવ્યા બાદ સંજુએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના દિલની વાત ખુલીને રજૂ કરી હતી.

 

પોતાના પર થતી ટીકાઓ વિશે વાત કરતા સૅમસને કટાક્ષમાં જણાવ્યું કે, "હું વાઇ-ફાઇ ટર્ન ઑફ કરવાનો પ્રયાસ કરતો હોઉં છું, પરંતુ ક્યારેક વાઇ-ફાઇ ટર્ન-ઑન થઈ જાય છે અને સિનિયર ખેલાડીઓ કે લોકોની કમેન્ટ્સ ધ્યાનમાં આવી જાય છે. જો કે, પહેલાં ચોક્કસ દુઃખ થાય છે. મનમાં વિચાર આવે છે કે હું કોઈ મશીન કે રૉબો નથી કે મને કોઈ અસર જ ન થાય. થોડી તો અસર થાય જ ને!" જોકે, તેણે ઉમેર્યું કે આત્મવિશ્વાસ જાળવી રાખીને પોતાની પૂર્વતૈયારી પર ધ્યાન આપવું અને સકારાત્મક અભિગમ રાખવો એ જ સફળતાની ચાવી છે. જો તે લોકોની વાતો પર જ ધ્યાન આપતો હોત તો ક્યારેય આવી બેટિંગ ન કરી શક્યો હોત. વર્લ્ડ કપના પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય અનુભવે તેને હંમેશાં માનસિક દબાણ સામે લડવાની તાકાત આપી છે.

 

વૈભવ સૂર્યવંશી સાથેની હરીફાઈ અને ટીમ સિલેક્શન પર શું કહ્યું?

ટી-20 ટીમમાં પોતાના સ્થાનને લઈને ચાલી રહેલી સ્પર્ધા વિશે વાત કરતા સંજુએ 15 વર્ષના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, "ભારતીય ટીમનું સંચાલન કરવું કોઈ આસાન કામ નથી. વર્લ્ડ કપ મારા માટે આશીર્વાદરૂપ હતો, પરંતુ તમે બધાએ જોયું કે 15 વર્ષના આ છોકરાએ આઇપીએલમાં કેવા 700-800 રન ફટકાર્યા છે. એટલે ટીમમાં તેનું સ્થાન બનવું સ્વાભાવિક હતું. હું બે-ત્રણ મૅચ સારું ન રમી શક્યો અને તે શાનદાર ફૉર્મમાં હતો, ત્યારે ટીમને જીતાડવા માટે કઠિન નિર્ણયો લેવા જ પડે છે." સંજુએ એમ પણ જણાવ્યું કે આઇપીએલમાં ફ્રૅન્ચાઇઝી કેપ્ટન રહી ચૂક્યો હોવાને કારણે તે સમજે છે કે મુશ્કેલ નિર્ણયો લેવા કેટલા અઘરા હોય છે. શ્રેણી પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીર સાથે તેની લાંબી ચર્ચા થઈ હતી અને ટીમના હિતમાં લેવાતા નિર્ણયો હંમેશાં મહત્ત્વપૂર્ણ હોય છે.

(7:03 PM IST)