તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
મહિલા ક્રિકેટરો માટે ICCનો ઐતિહાસિક નિર્ણયઃ માતા બન્યા પછી પણ કરિયર પર નહીં લાગે બ્રેક
ગર્ભાવસ્થા અને બાળકના જન્મ બાદ મેદાનમાં સુરક્ષિત વાપસી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરી ગાઈડલાઈનઃ જય શાહે કહ્યું- ‘કોઇપણ ખેલાડીએ દેશ અથવા માતૃત્વ વચ્ચે પસંદગી નહીં કરવી પડે'

નવિ દિલ્હીઃ મહિલા ક્રિકેટના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી કદમ ઉઠાવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એક ઐતિહાસિક વૈશ્વિક માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ નવા નિયમો અંતર્ગત હવે મહિલા ખેલાડીઓએ માતૃત્વ ધારણ કર્યા બાદ પોતાની રમતગમતની કારકિર્દીને અલવિદા નહીં કહેવું પડે કે લાંબો બ્રેક નહીં લેવો પડે.
ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછી પણ મહિલા રમતવીરો સુરક્ષિત અને સન્માનજનક રીતે મેદાન પર પુનરાગમન કરી શકે તે માટે આઇસીસી દ્વારા વિશેષ ‘૬ આર્સ' (૬ Rs) ની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આ નિર્ણયને આવકારતા આઈસીસીના ચેરમેન જય શાહે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ એક અત્યંત પ્રગતિશીલ પગલું છે જે મહિલા ક્રિકેટરોને માનસિક, આર્થિક અને શારીરિક સુરક્ષા પૂરી પાડશે. હવે પછી ભવિષ્યમાં કોઈપણ મહિલા ખેલાડીએ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા અને માતા બનવા જેવા સુંદર સપના વચ્ચે પસંદગી કરવાની નૌબત નહીં આવે.
આઇસીસી દ્વારા જાહેર કરાયેલા આ વૈશ્વિક માળખામાં મહિલા ખેલાડીઓની ગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મ પછી મેદાનમાં પાછા ફરવા સુધીની સફરને સુરક્ષિત બનાવવા માટે ૬ મુખ્ય તબક્કાઓ (૬ Rs) નક્કી કરવામાં આવ્યા છે, જેમાં Recognition (ગર્ભાવસ્થાને સત્તાવાર માન્યતા), Remuneration (આ સમયગાળા દરમિયાન વેતન અને કરારની સુરક્ષા), Rehabilitation (બાળકના જન્મ બાદ શારીરિક ફિટનેસ મેળવવા માટે તબીબી અને ફિઝિયો સપોર્ટ), Return to Play (સંપૂર્ણ ફિટ થયા બાદ મેદાનમાં સુરક્ષિત વાપસી), Re-integration (ટીમની અંદર ખેલાડીને ફરીથી સહેલાઈથી વણી લેવો) અને Retention (માતૃત્વના કારણે ખેલાડીનું રેન્કિંગ કે કરાર ન જોખમાય તેની જાળવણી) નો સમાવેશ થાય છે.
આઈસીસીના આ ઐતિહાસિક નિર્ણયને વિશ્વભરની મહિલા ક્રિકેટરો અને રમતપ્રેમીઓએ વધાવી લીધો છે અને રમત પ્રશાસકોનું માનવું છે કે આ નિયમથી મહિલા ક્રિકેટ વધુ વ્યાવસાયિક બનશે તેમજ રમત જગતમાં સમાનતા અને સશક્તિકરણનું એક નવું ઉદાહરણ પૂરું પાડશે
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
