હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય ક્રિકેટના ૧૪ વર્ષીય નવલા નક્ષત્ર વૈભવ સૂર્યવંશીના અદભુત આત્મવિશ્વાસે આંતરરાષ્ટ્રીય દિગ્ગજોને પણ ચકિત કર્યા: 'હું મેચમાં ૧૩ સિક્સર ફટકારીશ' તેવો નીડર દાવો સાંભળીને રાજસ્થાન રોયલ્સના હેડ કોચ કુમાર સંગાકારા પણ અવાક રહી ગયા હતા
આઈપીએલ ૨૦૨૬માં ૭૭૬ રન બનાવીને 'ઓરેન્જ કેપ' જીતનારા બિહારના વન્ડર કિડ વૈભવ સૂર્યવંશીએ નેટ્સમાં જોફ્રા આર્ચર અને સંદીપ શર્મા જેવા દિગ્ગજ બોલરોની ધુલાઈ કરી હોવાનો કુમાર સંગાકારાએ સ્કાય સ્પોર્ટ્સ સમક્ષ રસપ્રદ કિસ્સો શેર કરીને ભારતીય ટીમના આ યુવા ખેલાડીની બેખૌફ બેટિંગ શૈલીના મુક્તકંઠે વખાણ કર્યા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ જગતમાં હાલમાં જે એક નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે ૧૪ વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી. અંડર-૧૯ અને ત્યારબાદ આઈપીએલમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનારા આ યુવા ખેલાડીના આત્મવિશ્વાસ અને એટીટ્યુડની ચર્ચા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થવા લાગી છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી૨૦ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના હેડ કોચ અને શ્રીલંકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારાએ વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલો એક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક કિસ્સો શેર કર્યો છે. સંગાકારાએ જણાવ્યું કે કેવી રીતે આ ૧૪ વર્ષના બાળકે મેચ પહેલા ડ્રેસિંગ રૂમમાં જઈને સિનિયર વિદેશી ખેલાડીઓ સામે ૧૩ સિક્સર મારવાનો દાવો કર્યો હતો અને તેને સાચો પણ સાબિત કરી બતાવ્યો હતો.
સ્કાય સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા કુમાર સંગાકારાએ જણાવ્યું હતું કે, આઈપીએલ ૨૦૨૬ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે હતો. રાજસ્થાન રોયલ્સને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ૨૨૦ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવાનો હતો. મેચમાં જ્યારે રાજસ્થાનની ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે વૈભવ સૂર્યવંશી મારી પાસે આવ્યો અને અત્યંત આત્મવિશ્વાસ સાથે આંખ મારીને બોલ્યો, 'કોચ, તમે ટેન્શન ન લો, બધું થઈ જશે.' સંગાકારા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા પરંતુ આ તો માત્ર શરૂઆત હતી.
ત્યારબાદ વૈભવ સૂર્યવંશી ડ્રેસિંગ રૂમમાં ગયો અને ત્યાં હાજર વિદેશી ખેલાડીઓ ડોનોવન ફરેરા અને લ્હુઆન-દ્રે પ્રિટોરિયસ પાસે જઈને કમાલનો દાવો કર્યો. વૈભવે આ સિનિયર ખેલાડીઓને કહ્યું, 'તમે બંને ધ્યાનથી સાંભળો, હું આ મેચમાં ૧૩ સિક્સર મારવા જઈ રહ્યો છું. એકવાર હું ૧૩ સિક્સર ફટકારી દઉં, પછી બાકીનું કામ તમે લોકો સંભાળી લેજો.' મેચ શરૂ થયા બાદ વૈભવે મેદાન પર ધમાકો મચાવતા ૧૦ ગગનચુંબી સિક્સર ફટકારી દીધી હતી. સંગાકારાએ ઉમેર્યું કે જ્યારે વૈભવે ૫ કે ૬ સિક્સર મારી દીધી ત્યારે ડોનોવન અને પ્રિટોરિયસ એકબીજાની સામે જોવા લાગ્યા કે આ છોકરો શું વાત કરી રહ્યો હતો અને પછી તેમણે સિક્સરની ગણતરી શરૂ કરી દીધી, કારણ કે તેમને અહેસાસ થઈ ગયો હતો કે આ ૧૪ વર્ષનો છોકરો જે બોલ્યો છે તે ખરેખર કરી શકે છે.
કુમાર સંગાકારાએ વૈભવને પહેલીવાર જોયો ત્યારનો વધુ એક કિસ્સો શેર કરતા કહ્યું કે, હું જ્યારે બે સપ્તાહના કેમ્પ માટે ગુવાહાટી ગયો હતો ત્યારે ત્યાં એક નાની નેટ હતી જ્યાં ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને સંદીપ શર્મા નવા બોલથી ઘાતક બોલિંગ કરી રહ્યા હતા. આર્ચરની ગતિ જોઈને કોઈ પણ બેટ્સમેન ત્યાં બેટિંગ કરવા તૈયાર નહોતો. તે સમયે વૈભવ સામે આવ્યો અને તેણે કહ્યું કે 'હું બેટિંગ કરીશ.' સંગાકારાના જણાવ્યા અનુસાર, જ્યારે પણ બોલ વૈભવના બેટ પર વાગતો ત્યારે જાણે ગોળી છૂટી હોય તેવો અવાજ આવતો હતો. તેણે આર્ચર અને સંદીપ શર્મા વિરુદ્ધ આડેધડ શોર્ટ્સ ફટકાર્યા હતા. એક તબક્કે તો જોફ્રા આર્ચર પણ રોકાઈ ગયો અને હસવા લાગ્યો, કારણ કે તે પૂરી તાકાતથી સ્પીડમાં બોલિંગ કરી રહ્યો હતો અને આ ૧૪ વર્ષનો બાળક તેને બિલકુલ સામાન્ય બોલર સમજીને રમી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ ૨૦૨૬માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર સીઝનમાં સૌથી વધુ ૭૭૬ રન બનાવીને પ્રતિષ્ઠિત 'ઓરેન્જ કેપ' પોતાના નામે કરી હતી. આ શાનદાર પ્રદર્શનના જોરે તેને ભારતીય ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે આયર્લેન્ડ સામેની પ્રથમ ટી૨૦ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતું અને કેપ્ટન શ્રેયસ અય્યર તેમજ બેટિંગ કોચના નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે તેને ડેબ્યૂ કરવા માટે હજુ થોડી રાહ જોવી પડી શકે છે, પરંતુ આ યુવા ખેલાડીની નિર્ભય બેટિંગ અને અદભુત એટીટ્યુડ જોઈને ક્રિકેટ નિષ્ણાતો તેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
