<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ સેમિફાઇનલમાં ભારત A નો 317 રનનો મજબૂત સ્કોર: અભિષેક, તિલક અને શાહબાઝની અડધી સદી, શ્રીલંકા A ને 318 રનનો લક્ષ્યાંક

અભિષેક શર્માના 63 બોલમાં 78 રન, જ્યારે શાહબાઝ અહેમદ (54) અને તિલક વર્મા (53)ની અડધી સદી; વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 40 રનની ઝડપી શરૂઆત અપાવી, શાહબાઝ અને તનુષ કોટિયન (28) વચ્ચે 73 રનની ભાગીદારી*

દોહા : મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ની પહેલી સેમિફાઇનલમાં ગુરુવારે ભારત A એ શ્રીલંકા A સામે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 317 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. કેપ્ટન તિલક વર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ ભારત તરફથી અભિષેક શર્મા, તિલક વર્મા અને શાહબાઝ અહેમદે શાનદાર અડધી સદી ફટકારી હતી, જેના બળ પર ભારતે શ્રીલંકા A ને ફાઇનલમાં પહોંચવા માટે 318 રનનો પડકાર આપ્યો છે.

 

ભારત A ને વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની જોડીએ તોફાની શરૂઆત અપાવી હતી. પાછલી મેચમાં 28 છગ્ગા ફટકારનાર વૈભવે આ મેચમાં પણ 27 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ઝડપી 40 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી નોંધાવી હતી. વૈભવના આઉટ થયા બાદ પણ રન ગતિ જળવાઈ રહી હતી અને અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં 9 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. 20મી ઓવરમાં જીવનદાન મળ્યા બાદ અભિષેકે 63 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 78 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેને લાહિરુએ આઉટ કર્યો હતો.

 

ત્યારબાદ કેપ્ટન તિલક વર્મા અને કુમાર કુશાગ્રે ઇનિંગ આગળ ધપાવી હતી. કુશાગ્ર 27 બોલમાં 2 ચોગ્ગા સાથે 21 રન બનાવી 30મી ઓવરમાં આઉટ થયો હતો. તિલક વર્માએ 63 બોલમાં અડધી સદી પૂરી કર્યા બાદ 66 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 53 રનના વ્યક્તિગત સ્કોર પર 33મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ઉપ-કેપ્ટન રિંકુ સિંહ 21 બોલમાં 12 રન (LBWના નિર્ણયથી નાખુશ) અને સૂર્યાંશ શેડગે 13 બોલમાં 10 રન બનાવી આઉટ થતા 40 ઓવરમાં ભારતની 6 વિકેટ પડી ગઈ હતી.

 

મુશ્કેલ તબક્કામાં શાહબાઝ અહેમદ અને તનુષ કોટિયને (જે પ્રભસિમરન સિંહના સ્થાને રમી રહ્યો હતો) બાજી સંભાળી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 55 બોલમાં 73 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. શાહબાઝે 45 બોલમાં અડધી સદી ફટકારી અને 54 રન બનાવી અણનમ રહ્યો હતો, જ્યારે તનુષ કોટિયન 49મી ઓવરમાં 30 બોલમાં 2 ચોગ્ગા સાથે 28 રન બનાવી આઉટ થયો હતો. 49મી ઓવરમાં ભારતે 300 રનનો આંકડો પાર કર્યો અને આખરે 50 ઓવરમાં 317/8 સુધી પહોંચી ગયું.

(7:18 PM IST)