તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
જાપાનમાં યોજાયેલી પૅરા એશિયન ગેમ્સમાં ભારતીય બૅડમિન્ટન ખેલાડી માનસી જોશીએ ભારત માટે મેડલ કર્યો પાક્કો: સેમિ ફાઇનલમાં ચીની જોડીને આપી હાર
રાજકોટમાં જન્મેલી અને મુંબઈની તેજસ્વી ખેલાડી માનસી જોશી તથા થુલાસીમથી મુરુગેસનની જોડીએ શાનદાર પ્રદર્શન કરી ડબલ્સ ઇવેન્ટમાં ચંદ્રક સુનિશ્ચિત કર્યો

નાગોયા : જાપાનમાં મુખ્ય એશિયન ગેમ્સની સફળતા બાદ હવે દિવ્યાંગ એથ્લીટો અને ખેલાડીઓ માટેની રોમાંચક પૅરા એશિયન ગેમ્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પ્રતિષ્ઠિત મહાકુંભમાંથી ભારત માટે એક અત્યંત ગર્વ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી બ્રાહ્મણ સમાજનું ગૌરવ અને પ્રખ્યાત બૅડમિન્ટન ખેલાડી માનસી ગિરીશચંદ્ર જોશીએ પોતાની શાનદાર રમતથી ભારત માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે.
મૂળ રાજકોટમાં જન્મેલી અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલી માનસી જોશી તથા તમિળનાડુની પ્રતિભાશાળી ખેલાડી થુલાસીમથી મુરુગેસનની જોડીએ નાગોયા ખાતે રમાઈ રહેલી પૅરા એશિયન ગેમ્સમાં કમાલ કરી બતાવ્યો છે. આ જોડીએ બૅડમિન્ટનની ડબલ્સની એસએલ-૩ એસયુ-૫ કેટેગરીની સ્પર્ધામાં સેમિ ફાઇનલમાં પ્રવેશ કરીને દેશ માટે ચંદ્રક નિશ્ચિત કરી દીધો છે. નિયમ અનુસાર સેમિ ફાઇનલ સુધી પહોંચનારી જોડી જો સેમિમાં પરાજય પામે તો પણ તેમને બ્રોન્ઝ મેડલ મળે છે. અગાઉ ૨૦૨૨ની ચીન એશિયન ગેમ્સમાં પણ આ જ જોડીએ શાનદાર રમત દાખવીને સિલ્વર મેડલ જીત્યો હતો.
શનિવારે રમાયેલી મહત્વપૂર્ણ મૅચમાં માનસી અને મુરુગેસનની જોડીએ ચીનની મજબૂત ખેલાડીઓ યુમેઈ લિઉ અને ટૉન્ગટૉન્ગ લીની જોડી સામે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય જોડીએ ચીની હરીફોને કોઈ પણ તક આપ્યા વગર સીધા સેટમાં ૨૧-૧૦ અને ૨૧-૧૭ થી ધમાકેદાર વિજય મેળવીને સેમિ ફાઇનલનું ટિકિટ મેળવી લીધું હતું. ભારતની આ વિજેતા જોડીની હજી ગ્રૂપ-એ અંતર્ગત એક લીગ મૅચ રમાવાની બાકી છે, પરંતુ તેમનો મેડલ અત્યારથી જ પાક્કો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, એસએલ-૩ એસયુ-૫ કેટેગરીમાં એવા ખેલાડીઓ ભાગ લે છે જેમને શરીરના ઉપલા કે નીચલા ભાગમાં શારીરિક અક્ષમતા હોય છે. માનસી જોશીએ વર્ષ ૨૦૧૧માં એક ગંભીર માર્ગ અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો. તેમ છતાં તેણે ક્યારેય હાર मानी ન હતી અને કૃત્રિમ પગના સહારે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે બૅડમિન્ટનમાં કીર્તિમાન સ્થાપ્યા છે. તે અગાઉ એસએલ-૩ કેટેગરીમાં વર્લ્ડ નંબર-વનનું સ્થાન પણ મેળવી ચૂકી છે અને ભારત સરકાર દ્વારા તેને પ્રતિષ્ઠિત 'અર્જુન અવૉર્ડ'થી પણ સન્માનિત કરવામાં આવી છે.
માનસીના પિતા ગિરીશચંદ્ર જોશી ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC) ના ભૂતપૂર્વ વિજ્ઞાની રહી ચૂક્યા છે. જ્યારે તેમની ડબલ્સ જોડીદાર મુરુગેસનને નાનપણથી જ ડાબા હાથમાં ખોડ છે. આ બંને ખેલાડીઓની દ્રઢ ઇચ્છાશક્તિ અને ખેલદિલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો મનમાં અતૂટ લગ્ની હોય તો કોઈપણ મુશ્કેલી સફળતાના રસ્તામાં અડચણરૂપ બની શકતી નથી. સમગ્ર દેશમાં આ જોડીની આ સિદ્ધિ બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
