તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
આયર્લેન્ડમાં ભારતીય ‘ક્યુઇસ્ટ્સ’નો દબદબો: વર્લ્ડ બિલિયર્ડ્સમાં સૌરવ કોઠારી ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતરશે; પંકજ અડવાણી સહિત 13 ભારતીયો મચાવશે ધૂમ
શનિવારથી આયર્લેન્ડના કાર્લોમાં જામશે વિશ્વ વિજેતા બનવાનો જંગ; 32 ખેલાડીઓના મેદાનમાં 13 ભારતીયોની હાજરીથી ભારતની પકડ મજબૂત; અડવાણી 20માં ટાઇટલ પર નજર રાખશે

કાર્લો (આયર્લેન્ડ) : આયર્લેન્ડના કાર્લો શહેરમાં શનિવારથી 'IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026' નો પ્રારંભ થઈ રહ્યો છે. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું પલ્લું અત્યંત ભારે દેખાઈ રહ્યું છે, કારણ કે ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરવ કોઠારી અને ભારતના સૌથી સફળ ખેલાડી પંકજ અડવાણી સહિત કુલ ૧૩ ભારતીયો આ ટાઇટલ જીતવા માટે મેદાને ઉતર્યા છે. સૌરવ કોઠારી શનિવારે ગ્રુપ ‘A’ માં દક્ષિણ કોરિયાના હ્વાંગ ચુલ્હો સામેની મેચથી પોતાની સફર શરૂ કરશે.
કોઠારીનો આત્મવિશ્વાસ અને અડવાણીનો અનુભવ
૪૧ વર્ષીય સૌરવ કોઠારીએ ટુર્નામેન્ટની પૂર્વસંધ્યાએ જણાવ્યું કે, "વર્લ્ડ ટાઇટલને ડિફેન્ડ કરવું ક્યારેય સરળ નથી હોતું, પરંતુ હું એ જ ભૂખ અને શિસ્ત સાથે તૈયાર છું જેણે મને ગયા વર્ષે ચેમ્પિયન બનાવ્યો હતો." બીજી તરફ, ૧૯ વખતના વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન પંકજ અડવાણી પણ આ મહિને પૂલ નેશનલ્સમાં મળેલી જીત બાદ ફુલ ફોર્મમાં છે અને પોતાનો તાજ પાછો મેળવવા માટે આતુર છે.
સમય સામેની લડાઈ: 90 મિનિટનું ફોર્મેટ
આ વખતે ચેમ્પિયનશિપ ‘ટાઇમ-ફોર્મેટ’ (સમય આધારિત) માં રમાશે. કુલ ૩૨ ખેલાડીઓને ૮ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે અને દરેક ગ્રુપની લીગ મેચ ૯૦ મિનિટની રહેશે. દરેક ગ્રુપમાંથી ટોચના બે ખેલાડીઓ નોકઆઉટ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. સૌરવ અને પંકજ ઉપરાંત ધ્રુવ સીતવાલા, ધ્વજ હરિયા, શ્રીકૃષ્ણ, રૂપેશ શાહ અને સિદ્ધાર્થ પરીખ જેવા મજબૂત ભારતીય ખેલાડીઓ પર પણ સૌની નજર રહેશે.
આંતરરાષ્ટ્રીય પડકાર
જોકે, ભારતીય ખેલાડીઓ માટે માર્ગ એટલો સરળ નહીં હોય. પીટર ગિલક્રિસ્ટ, માઇક રસેલ અને ડેવિડ કોઝિયર જેવા અનુભવી વિદેશી ખેલાડીઓ પણ ફોર્મમાં છે. આ દિગ્ગજોએ તાજેતરમાં જ વર્લ્ડ મેચપ્લે ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં સ્થાન બનાવીને ભારતને કડી ટક્કર આપવાના સંકેત આપી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે શું આયર્લેન્ડની ધરતી પર ફરી એકવાર ભારતીય તિરંગો લહેરાશે કે કેમ.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
