તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 6th July 2026
ઝિમ્બાબ્વે પ્રવાસની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત : શ્રેયસ અય્યર કેપ્ટન અને તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવાયા
ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશી અને 4 નવા ચહેરાઓને સ્થાન: ઇંગ્લેન્ડ વનડે શ્રેણી માટે ઇજાગ્રસ્ત નીતીશ રેડ્ડીના સ્થાને શિવમ દૂબેની પસંદગી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઝિમ્બાબ્વે સામે રમાનારી ત્રણ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ માટે ટીમની કમાન મધ્યમ ક્રમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્મા વાઇસ કેપ્ટન તરીકે ભૂમિકા ભજવશે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે જાહેર કરાયેલી ટીમમાં બોર્ડે વ્યુહાત્મક ફેરફારો કરીને ભવિષ્યના સ્ટાર્સ પર મોટો દાવ ખેલ્યો છે લાંબા સમય બાદ હાર્ડ-હિટર બેટ્સમેન રિંકુ સિંહની ટીમમાં વાપસી થઈ છે, જેઓ તાજેતરના કેટલાક વિદેશી પ્રવાસો અને એશિયન ગેમ્સની ટીમનો ભાગ બની શક્યા નહોતા આ શ્રેણીમાં સ્થાનિક ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા ચાર નવા અનકેપ્ડ ખેલાડીઓની પ્રથમ વખત ભારતીય ટીમમાં એન્ટ્રી થઈ છે.
વિકેટકીપર બેટ્સમેન પ્રભસિમરન સિંહ, ઝડપી બોલર અશોક શર્મા, યશ ઠાકુર અને સ્પીનર હર્ષ દુબેને પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમનું ટી-શર્ટ પહેરવાની તક મળશે. હર્ષ દુબે અગાઉ ભારત માટે વનડે ફોર્મેટ રમી ચૂક્યા છે, પરંતુ T20 માં તેમની આ પ્રથમ એન્ટ્રી છે. આ ઉપરાંત, પોતાની ગતિથી બેટ્સમેનોને ડરાવનાર મયંક યાદવ ઈજા બાદ ટીમમાં પરત ફર્યા છે. મયંક ઓક્ટોબર 2024 માં ભારત માટે છેલ્લી મેચ રમ્યા હતા.
આ ટીમ સિલેક્શનનો સૌથી મોટો ચમકારો 15 વર્ષના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની પસંદગી છે વૈભવ સૂર્યવંશીએ શનિવારે જ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેમને સંજુ સેમસનના સ્થાને પ્લેઇંગ-11 માં તક મળી હતી, અને હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ તેઓ પસંદગીકારોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા છે.
બીજી તરફ, વરિષ્ઠ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને આ શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. પસંદગીકારોએ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ સેમસન સહિત ઓલરાઉન્ડર અક્ષર પટેલ, ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને આરામ આપવાનો નિર્ણય કર્યો છે, જેથી યુવા ખેલાડીઓની ક્ષમતા ચકાસી શકાય
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ રોમાંચક T20 શ્રેણીની ત્રણેય મેચો ઝિમ્બાબ્વેના ઐતિહાસિક હરારે સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાશે ક્રિકેટ ચાહકો માટે આ મેચોનું જીવંત પ્રસારણ ભારતીય સમયાનુસાર સાંજે ૪:૩૦ વાગ્યે શરૂ થશે.
શ્રેણીનું સંપૂર્ણ ટાઈમ ટેબલ નીચે મુજબ છે:
પ્રથમ T20 મેચ: 23 જુલાઈ, હરારે
બીજી T20 મેચ: 25 જુલાઈ, હરારે
ત્રીજી T20 મેચ: 26 જુલાઈ, હરારે
ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની સંપૂર્ણ ભારતીય ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (ઉપ-કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દૂબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ અને પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
ઝિમ્બાબ્વે શ્રેણીની જાહેરાતની સાથે જ બીસીસીઆઈ દ્વારા વધુ એક મોટી માહિતી શેર કરવામાં આવી છે. 14 જુલાઈથી ઇંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની મહત્વપૂર્ણ વનડે શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. યુવા ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે આખી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
બીસીસીઆઈની તબીબી ટીમના અહેવાલ બાદ, પસંદગીકારોએ નીતીશ રેડ્ડીના સ્થાને અનુભવી ઓલરાઉન્ડર શિવમ દૂબેને વનડે સ્ક્વોડમાં સામેલ કર્યો છે શિવમ દૂબે હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેઓ મધ્યમ ક્રમમાં બેટિંગની સાથે મધ્યમ ગતિની બોલિંગનો સારો વિકલ્પ પૂરો પાડે છે, જે ઇંગ્લેન્ડની પિચો પર ટીમ ઇન્ડિયા માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
