<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો દબદબો! ગોલ્ડ મેડલ જીતીને કેપ્ટન હરમનપ્રીત કૌરે આપ્યું પ્રેરણાદાયી નિવેદન: "અમે સોનાનો દરવાજો ખોલ્યો છે, હવે દેશ માટે ગોલ્ડની ઝડી લગાવી દો"

શ્રીલંકાને ૧૪૭ રનથી હરાવીને સતત બીજી વાર સુવર્ણચંદ્રક પર કબજો જમાવ્યો: જાપાનની સુવિધાઓ અને પિચ અંગે પ્રશંસા કરતાં હરમનપ્રીતે તમામ ભારતીય એથ્લેટ્સને બિરદાવ્યા

નાગોયા : એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સળંગ બીજી વખત ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. જાપાનના નાગોયા ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે ૧૪૭ રનથી શાનદાર વિજય મેળવીને ગોલ્ડ મેડલ પર પોતાનો કબજો યથાવત રાખ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે અત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો અને એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ભારતીય એથ્લેટ્સ અને ખેલાડીઓનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, "અમે ભારતના ગોલ્ડ મેડલનો દરવાજો ખોલી આપ્યો છે, આશા છે કે આ રમતોત્સવમાં હવે ભારતીય ખેલાડીઓ ગોલ્ડ મેડલની ઝડી લગાવી દેશે."

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ની હાન્ગઝોઉ એશિયન ગેમ્સમાં પણ હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સી હેઠળ જ ભારતીય મહિલા ટીમે ચૅમ્પિયન બનીને ગોલ્ડ મેળવ્યો હતો. મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં હરમનપ્રીતે ઉમેર્યું કે, "કોઈ પણ ખેલાડી કે એથ્લીટ માટે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવો એ એક સ્વપ્ન સમાન હોય છે. અમે જાપાન એક જ લક્ષ્ય સાથે આવ્યા હતા કે અમારે દેશ માટે સુવર્ણચંદ્રક જીતવો જ છે અને અમારો રાષ્ટ્રધ્વજ સૌથી ઊંચે ફરકતો જોવો છે."

 

જાપાનના મેદાન અને હાઈબ્રિડ પિચની કરી પ્રશંસા

 

ટૂર્નામેન્ટ અગાઉ જાપાનમાં ક્રિકેટ માટેની સુવિધાઓ અપૂરતી હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ કૅપ્ટને જાપાનના આયોજનના મુક્ત મનથી વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું કે, "અમે ખુલ્લા મનથી અહીં રમવા આવ્યા હતા. પહેલા જ દિવસે મેદાનની સુવિધાઓ અને ખાસ કરીને હાઈબ્રિડ પિચ જોઈને અમારી આખી ટીમને સંતોષ થયો હતો. જાપાન ભલે ક્રિકેટ માટે જાણીતું ન હોય, પણ તેઓ ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડશે તેવો વિશ્વાસ હતો. ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ ખેલાડીને ઈજા થઈ નથી, જે દર્શાવે છે કે અહીના મેદાન ખરેખર ઉત્તમ હતા." ભારતીય મહિલા ટીમ બુધવારે સ્વદેશ પરત ફરશે.

(6:29 PM IST)