<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ભારતના ન્‍યુઝીલેન્‍ડના ૪૦ દિવસના લાંબા પ્રવાસનો ૨૨ ઓકટોબરથી પ્રારંભઃ ૫ ટી-૨૦ ૫ વન-ડે તથા ૨ ટેસ્‍ટ રમાશે

બંને દેશો વચ્‍ચેના રમતગમત સંબંધોના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજન : ૧ ડિસેમ્‍બર સુધીમાં કુલ ૧૨ મેચ રમાશેઃ ટીમ ઇન્‍ડીયાનો ૨૦૧૯-૨૦ બાદ પ્રથમ પ્રવાસ

મુંબઇઃ તા.૩: ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં ન્‍યૂઝીલેન્‍ડના પ્રવાસે જવાની છે, જે બંને દેશોના ક્રિકેટ ઇતિહાસનો અત્‍યાર સુધીનો સૌથી મોટો દ્વિપક્ષીય પ્રવાસ સાબિત થશે. ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે ૨૨ ઓકટોબરથી ૧ ડિસેમ્‍બર દરમિયાન તમામ ફોર્મેટની કુલ ૧૨ મેચો રમાશે. ન્‍યૂઝીલેન્‍ડના ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્‍યારે તેઓ કોઈપણ મુલાકાતી ટીમ સામે આટલી મોટી સિરીઝ હોસ્‍ટ કરશે.

આ ૪૦ દિવસના લાંબા પ્રવાસ દરમિયાન 5 T20 ઇન્‍ટરનેશનલ, ૫ વન-ડે અને ૨ ટેસ્‍ટ મેચ રમાશે. આ ઐતિહાસિક સિરીઝ બંને દેશો વચ્‍ચેના રમતગમતના સંબંધોના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે, જે આ પ્રવાસને વધુ ખાસ બનાવે છે.

આ  પ્રવાસની શરૂઆત 22ના ઓકટોબરના રોજ ક્રાઈસ્‍ટચર્ચમાં પ્રથમ ટી-૨૦ મેચથી થશે. ત્‍યારબાદ ૫ મેચની T20 સિરીઝ પૂરી થયા પછી, બંને ટીમો ૪ નવેમ્‍બર  થી ઓકલેન્‍ડના ઇડન પાર્ક ખાતે વન-ડે સિરીઝ રમશે.

સૌથી મહત્ત્વની રેડ-બોલ એટલે કે ટેસ્‍ટ સિરીઝની શરૂઆત ૧૯ નવેમ્‍બર થી વેલિંગ્‍ટનના બેસિન રિઝર્વ ખાતે થશે. આ પ્રવાસની બીજી અને અંતિમ ટેસ્‍ટ મેચ ૨૭ નવેમ્‍બરથી ૧ ડિસેમ્‍બર દરમિયાન ક્રાઈસ્‍ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાશે, જેની સાથે આ પ્રવાસ સમાપ્ત થશે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯-૨૦ની સીઝન પછી ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્‍ટ સિરીઝ રમવા માટે ન્‍યૂઝીલેન્‍ડની ધરતી પર જશે. તે પ્રવાસ બાદ ન્‍યૂઝીલેન્‍ડની ટીમ ૨ વખત ભારત આવી ચૂકી છે, જેમાં તાજેતરમાં જ રમાયેલી ૨૦૨૪-૨૫ની સિરીઝમાં ન્‍યૂઝીલેન્‍ડે ભારતમાં ૩-૦થી ઐતિહાસિક ક્‍લીન સ્‍વીપ કરીને ભારતીય ફેન્‍સને મોટો આંચકો આપ્‍યો હતો. હવે ટીમ ઇન્‍ડિયા પાસે ન્‍યૂઝીલેન્‍ડને તેમની જ ધરતી પર હરાવીને જૂનો બદલો લેવાની સુવર્ણ તક રહેશે. 

 

(3:32 PM IST)