<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

એશિયાડમાં ભારતની અસલી તાકાતની કસોટી, મેડલની સદી પછી હવે નજર નવા શિખર પર

નાગોયામાં ૫૦૦થી વધુ ભારતીય ખેલાડીઓ ઉતરશે મેદાને, શૂટિંગ, તીરંદાજી, હોકી, કુસ્‍તી અને કબડ્ડી બનશે મેડલના મોટા આશાવાદ

નવી દિલ્‍હી : ૨૦૨૬ની એશિયન ગેમ્‍સમાં ભારત માટે ફરી એકવાર પોતાની રમતની તાકાત બતાવવાનો મોટો પડકાર સામે છે. જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી આ સ્‍પર્ધામાં ભારત ૩૬ રમતોમાં ૫૦૦થી વધુ ખેલાડીઓ સાથે ભાગ લઈ રહ્યું છે. ૨૦૨૩ની હાંગઝોઉ એશિયન ગેમ્‍સમાં ભારતે પ્રથમ વખત ૧૦૦થી વધુ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. હવે નાગોયામાં આ પ્રદર્શનને આગળ વધારવાની નજર રહેશે. ભારત અત્‍યાર સુધી એશિયન ગેમ્‍સની ૧૯ આવળત્તિમાં કુલ ૭૭૮ મેડલ જીતી ચૂકયું છે. જેમાં ૧૮૩ ગોલ્‍ડ મેડલનો સમાવેશ થાય છે. જોકે ભારત હજુ એશિયાની કેટલીક રમતશક્‍તિઓની સરખામણીમાં તમામ રમતોમાં એકસરખી મજબૂત હાજરી ધરાવતું નથી. આથી નાગોયા ગેમ્‍સ ભારતના વિવિધ રમતોમાં વધી રહેલા પ્રભાવની પણ કસોટી બની રહેશે.

ભારતના મેડલ અભિયાનમાં શૂટિંગ અને તીરંદાજી સૌથી મહત્‍વની રમતોમાં રહેશે. તીરંદાજીમાં કમ્‍પાઉન્‍ડ અને રિકર્વ બંને કેટેગરીમાં ભારતીય ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે. શૂટિંગમાં પણ ભારત પાસે અનેક મજબૂત દાવેદારો છે. બીજી તરફ હોકી અને કબડ્ડીમાં ભારતની પરંપરાગત તાકાતને કારણે મેડલની આશા રહેશે. બેડમિન્‍ટન, કુસ્‍તી અને એથ્‍લેટિક્‍સમાં પણ ભારતીય ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરશે. પી.વી. સિંધુ સહિતના અનુભવી ખેલાડીઓ ઉપરાંત નવી પેઢીના ખેલાડીઓ માટે પણ નાગોયા પોતાની ઓળખ બનાવવાની મોટી તક બની શકે છે.

નાગોયા એશિયન ગેમ્‍સ માત્ર મેડલ જીતવાની સ્‍પર્ધા નથી. કેટલીક રમતોમાં અહીંનું પ્રદર્શન આગામી ૨૦૨૮ લોસ એન્‍જલસ ઓલિમ્‍પિક્‍સ માટે પણ મહત્‍વ ધરાવે છે. એટલે ભારતીય ખેલાડીઓ માટે દરેક મોટી જીતનું મહત્‍વ વધી જાય છે. હાંગઝોઉમાં મેડલની સદી પાર કર્યા બાદ હવે સવાલ એ છે કે ભારત નાગોયામાં પોતાના અગાઉના રેકોર્ડને કેટલું આગળ લઈ જઈ શકે છે. નીરજ ચોપરાની ગેરહાજરી સહિત કેટલીક બાબતોને કારણે અગાઉના એશિયન ગેમ્‍સનું પ્રદર્શન સીધું પુનરાવર્તિત કરવું સરળ નહીં હોય, પરંતુ ભારત પાસે અનેક રમતોમાં મેડલ માટે મજબૂત દાવેદારી છે. નાગોયામાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન એ પણ બતાવશે કે દેશની રમત સંસ્‍કળતિ કેટલી વ્‍યાપક બની રહી છે.

 

(3:32 PM IST)