<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

IPL ના ૧૯ વર્ષ: ૨૦૦૮ થી ૨૦૨૬ સુધી મેદાન ગજવનારા ‘ચાર રત્નો’, જાણો કોણ છે એ દિગ્ગજો જેમણે રમી છે તમામ સીઝન!

૧૮ એપ્રિલનો એ ઐતિહાસિક દિવસ જ્યારે ગાંગુલીએ રમ્યો હતો પહેલો બોલ: ધોની, કોહલી, રોહિત અને મનીષ પાંડેની અતૂટ સફર - ૧૯ સીઝન બાદ પણ આ ખેલાડીઓનો ક્રેઝ અકબંધ

રાજકોટ : ૧૮ એપ્રિલ ૨૦૦૮ – ક્રિકેટ જગતનો એ દિવસ જેણે રમતનો ઈતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો. આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને ૧૯ વર્ષ પૂર્ણ થયા છે. આ ૧૯ વર્ષોમાં હજારો ખેલાડીઓ આવ્યા અને ગયા, પરંતુ માત્ર ચાર એવા ‘આયર્ન મેન’ છે જેમણે ૨૦૦૮ થી શરૂ કરીને ૨૦૨૬ સુધીની તમામ સીઝનમાં પોતાની હાજરી નોંધાવી છે. આ લિસ્ટમાં ક્રિકેટના એવા નામો છે જેમના વિના આઈપીએલની કલ્પના કરવી પણ અશક્ય છે.
એમએસ ધોની: ઈજા છતાં સાથ અકબંધ
આઈપીએલના સૌથી સફળ કેપ્ટન ગણાતા મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૦૮ થી ૨૦૨૬ સુધીની તમામ સીઝનમાં ભાગ લીધો છે. જોકે, ૨૦૨૬ ની ચાલુ સીઝનમાં ઈજાના કારણે તે હજુ સુધી મેદાનમાં ઉતરી શક્યો નથી, પરંતુ CSK ના સક્રિય ખેલાડી તરીકે તેનો દબદબો હજુ પણ યથાવત છે. ૨૭૮ મેચમાં ૫,૪૩૯ રન સાથે ધોની આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે.
વિરાટ કોહલી: વફાદારીનું બીજું નામ
વિરાટ કોહલી આઈપીએલનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ૧૯ વર્ષમાં ક્યારેય પોતાની ટીમ બદલી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ૨૦૦૮ થી રમનાર વિરાટે ૨૭૩ મેચમાં ૮,૯૦૭ રન બનાવીને રન-મશીન હોવાનું સાબિત કર્યું છે. તેના નામે ૮ સદી અને ૬૫ અડધી સદી છે, જે આઈપીએલના ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
રોહિત શર્મા: હિટમેનનો દબદબો
રોહિત શર્માએ પોતાની સફર ડેક્કન ચાર્જર્સથી શરૂ કરી હતી અને ૨૦૧૧ થી તે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે. ૧૯ સીઝનમાં ૨૭૬ મેચ રમનાર રોહિતે ૭,૧૮૩ રન બનાવ્યા છે. ભલે આજે કેપ્ટનશીપ બદલાઈ હોય, પરંતુ હિટમેનનો બેટિંગ પાવર આજે પણ વિરોધી ટીમો માટે ચિંતાનો વિષય છે.
મનીષ પાંડે: સાત ટીમો અને અવિરત સફર
આ લિસ્ટમાં ચોથું નામ છે મનીષ પાંડેનું. મનીષ પાંડે આઈપીએલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી હતો. ૨૦૦૮ થી અત્યાર સુધીમાં તે કુલ સાત અલગ-અલગ ટીમો માટે રમી ચૂક્યો છે અને હાલમાં ૨૦૨૬ માં તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી મેદાનમાં છે. ૧૭૪ મેચમાં ૩,૯૪૨ રન સાથે તે આ લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા ખેલાડીઓએ પણ ૨૦૦૮ માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ઈજા કે અન્ય કારણોસર તેઓ વચ્ચેની કેટલીક સીઝન ચૂકી ગયા હતા. ત્યારે ધોની, કોહલી, રોહિત અને મનીષ પાંડેની આ ૧૯ વર્ષની સાતત્યપૂર્ણ સફર ખરેખર કાબિલેદાદ છે.

(10:49 PM IST)